જંગી આરોગ્ય બજેટ છતાંય વર્ષે ૩૬,૦૦૦ શિશુના મોત
ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે પણ રાજનીતિ શરૂ
અમદાવાદ: ગુજરાતમાં પણ હવે નવજાત શિશુઓના મોતને લઇ સમગ્ર મામલો ગરમાયો છે. ખાસ કરીને એવા સંજાગોમાં કે જયારે રાજયનું આરોગ્ય અને સ્વાસ્થ્યનું બજેટ ૧૧ હજાર કરોડનું ફાળવાય છે, તેમછતાં દર વર્ષે સરેરાશ રાજયમાં ૩૬ હજાર નવજાત શિશુઓના મોત નોંધાઇ રહ્યા છે, જેને લઇ હવે ગુજરાતમાં બાળકોના મોત મામલે રાજકારણ ગરમાવાની સાથે સાથે જનાક્રોશ પણ વધી રહ્યો છે. બીજીબાજુ, નવજાત શિશુઓના મોત મામલે રાજય સરકાર બાળકો કુપોષિત અને પ્રિમેચ્યોરના બહાના રજૂ કરે છે તો બીજીબાજુ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીના પહેલા પાંચ દિવસમાં જ ૧૩ બાળકોના મોત અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ નવજાત શિશુના મોત નોંધાયા છે.
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઇને ઘટસ્ફોટ થયો છે તે બાબતે પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ બાળમૃત્યુદરમાં કોઇ વધારો થયો નથી. દેશના સરેરાશ બાળમૃત્યુ દર વર્ષ ૨૦૧૭માં હજારે ૩૩ના મૃત્યુની સરખામણીએ ગુજરાતમાં સરેરાશ વર્ષ ૨૦૧૭માં ૩૦ હતો જે ઘટીને નવેમ્બર-૨૦૧૯ સુધીમાં ૨૫ બાળકો સુધી પહોંચ્યો છે. જે આંકડા બહાર આવ્યા છે તે ખોટા છે,
સત્યથી વેગળા છે અને બાળકોના મોત કુપોષણને કારણે થયા છે તેમાં કોઇ સંદેહ નથી તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસથી કોટાની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના સમાચારો આવે છે તે દુઃખદ છે. અમદાવાદ-રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અખબારી અહેવાલો આજે આવ્યા છે તે સંદર્ભે આજ સવારથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દસેક વખત ચિંતા વ્યકત કરતા ફોન કર્યા છે.
મુખ્યમંત્રી અને મેં સતત સંકલનમાં રહીને આરોગ્ય સચિવ, કમિશ્નરશ્રી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી આંકડાકીય માહિતિ અને વિગતો મેળવતા ફલિત થાય છે કે રાજ્યમાં પ્રતિવર્ષ ૧૨ લાખથી વધુ બાળકોનો જન્મ થાય છે. ત્યારે રાજય સરકારની સઘન વ્યવસ્થાને પરિણામે વર્ષ ૧૯૯૭માં પ્રતિ ૧,૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મૃત્યુ પામતા હતા,
તે ક્રમશઃ ઘટીને વર્ષ ૨૦૧૭માં ૩૦ સુધી પહોંચ્યો છે અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં તે ૨૫ સુધી ઘટ્યો છે અને તે નજીકના ભવિષ્યમાં ૧૫થી નીચે લઇ જવાનો અમારો નિર્ધાર છે. રાજકોટમાં ૧ વર્ષમાં ૦થી ૧૨વર્ષ સુધીના ૧૨૩૫ બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે સરકારી આંકડા મુજબ રાજકોટ પીડીયુમાં વર્ષમાં ૮૮૯ બાળકોના મોત થયા છે.
પી.ડી.યુ રાજકોટ, હોસ્પિટલ ખાતે ઓક્ટોબર- ૨૦૧૯ દરમ્યાન કુલ ૮૧૫ પ્રસૂતિ, નવેમ્બર-૨૦તમાં ૮૪૬ પ્રસૂતિ અને ડિસેમ્બર-૨૦૧૯માં ૮૦૪ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી રાજકોટ હોસ્પિટલમાં પ્રસૂતિ થયેલ અને એસ.એન.સી.યુ. યુનિટમાં આ ત્રણ માસમાં અનુક્રમે ૨૮૮,૨૮૧ અને ૨૨૮ બાળકોને સારવાર માટે દાખલ કર્યા હતા. ઉપરાંત અન્ય બહારની હોસ્પિટલમાંથી રિફર થઈને ૪૯૯ બાળકો રાજકોટ એસ.એન.સી.યુ. યુનિટમાં દાખલ કરાયા હતા. જે પૈકી ઓક્ટોબર- ૨૦૧૯માં ૮૭ બાળકો(૧૯.૩ ટકા), નવેમ્બર-૨૦૧૯માં ૭૧ બાળકો (૧૫.૫ ટકા) અને ડિસેમ્બર-૨૦૧૯માં ૧૧૧ (૨૮ ટકા) નવજાત શિશુના મૃત્યુ થયેલ છે. નવજાત શિશુઓના મોત પાછળ સૌથી વધુ જવાબદાર કુપોષણ છે. ગુજરાતમાં ૨૦૧૯ની સરખામણીમાં ૧,૪૧,૧૪૨ બાળક કુપોષણનો શિકાર છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે.