આ છે ગોંડલ તાલુકાની 20 વર્ષથી ખંડેર બની ગયેલી પોલીસ ચોકી
બે દાયકાથી જર્જરિત ગોંડલ તાલુકા પોલીસ ચોકીની બિલ્ડીંગ તોડી પાડવા માંગણી
ગોંડલ, અહીંના ભોજરાજપરા વિસ્તારમાં આવેલી અને બે દાયકાથી બંધ હાલતમાં અતિ જર્જરિત બનેલી જૂના તાલુકા પોલીસ ચોકીની બિલ્ડીંગને તોડી નાંખવા લતાવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ છે. અન્યથા ગમે ત્યારે અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઈ છે.
ભોજરાજ પરાના લતાવાસીઓએ નગરપાલિકા, પ્રાંત અધિકારી તથા સિટી પોલીસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ભોજરાજપરા શેરી નંબર ૧૬ વિસ્તારમાં આવેલ જૂની તાલુકા પોલીસ સ્ટેશનવાળી જગ્યા અતિ જર્જરિત હાલતમાં છે. માનવ જિંદગી ઉપર ખતરો થાય તે રીતે તેનો સ્લેબ નમી ગયો છે જે દૂર કરવાની કામગીરી તાત્કાલિક જરૂર છે.
નાના બાળકો ક્રિકેટ રમતી વખતે ઘણી વાર બોલ લેવા અહીં જતાં હોય છે કે કયારેક છૂપાછૂપી રમતા રમતા અહીં સંતાઈ જતા હોય ત્યારે આ કાટમાળ અંગે દરેક વાલીઓ ચિંતિત બને તે સ્વાભાવિક છે. બિલ્ડીંગ જર્જરિત હોવાથી જ ૧પથી ર૦ વર્ષથી ત્યાં કાર્યરત તાલુકા પોલીસ સ્ટેશન અન્યત્ર ફેરવી નંખાયું છે. હાલ આ બિલ્ડીંગ ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે.
આ બિલ્ડીંગમાં લોકો કચરો ફેકતા હોય ગંદકી, મચ્છર, જીવજંતુ છે. આ જગ્યાની અડીને નવા મકાનના બાંધકામ માટે ખોદાણ કરવાનું હોય ત્યાં કામ કરતાં મજૂર અથવા કારીગરો ઉપર આ જર્જરિત બિલ્ડીંગની દિવાલ ઘસી પડે અને જીવહાનિ થાય તેવી પૂરી સંભાવના છે.
એક વર્ષ પહેલાં પણ જર્જરિત બિલ્ડીંગ અંગે તંત્રને જાણ કરાઈ હતી. પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. આ બાબત ગંભીરતાથી લઈ અતિ જર્જરિત બનેલ આ બિલ્ડીંગ જમીનદોસ્ત કરવા તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા માગણી થઈ છે.