Western Times News

Gujarati News

વેવાઇ અને વેવાણ વચ્ચે ઇલુ-ઇલુ, લગ્ન મંડપેથી થઇ ગયા “ઉડન છૂ”

  • ભરપૂર પંચલાઇન્સઅને હળવા હાસ્યનો સમન્વય ફિલ્મ ‘ઉડન છૂ’ માં જોવા મળે છે.
  • એકતરફ પિતા-પુત્રી તો બીજી તરફ માં-દિકરા વચ્ચેના હૃદયસ્પર્શી સંવાદો પ્રેક્ષકોને સીટ પર જકડી રાખવામાં સફળ નિવડ્યા છે.

ગુજરાત, સપ્ટેમ્બર 2024 ઃ ફિલ્મનું શિર્ષક જ ફિલ્મની વાર્તાની ચાડી ખાય છે, અને બીજી રીતે કહું તો ફિલ્મની વાર્તા ફિલ્મના શિર્ષકને અનુસરે છે. પરફેક્ટ શિર્ષક, પરફેક્ટ વાર્તા, પરફેક્ટ કાસ્ટિંગ, પરફેક્ટ સંવાદો – આ ફિલ્મમાં બધું જ પરફેક્ટ છે. એમ કહીશું તો ખોટું નથી કે લાંબા ગાળા પછી પરિવાર સાથે નિહાળી શકાય એવી  હ્યુમર સાથેની પંચલાઇન્સ અને હળવા હાસ્યનો સમન્વય ફિલ્મ ઉડન છૂ માં જોવા મળે છે. ફિલ્મ પરફેક્ટ છે. વેસ્ટર્ન ટાઈમ્સતરફથી ફિલ્મ ઉડન છૂ ને પાંચ માંથી પાંચ સ્ટાર.

અત્રે મારે ઉમેરવું છે કે કાસ્ટિંગ ડિરેક્ટર ભાવેશ ભાનુંએ વાર્તાની જરુરિયાત પ્રમાણે તમામ પાત્રોની પસંદગી કરી છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડયા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ, નમન ગૌર, અલિશા પ્રજાપતિ તેમજ જય અરવિંદ ઉપાધ્યાય જોવા મળે છે. સ્ક્રીન પ્લે ખૂબ જ મજબૂત છે, અને તમામ પાત્રોએ પોતાના ભાગે આવેલા રોલને બખૂભી નિભાવ્યો છે.

ફિલ્મની શરુઆતથી લઇને અંત સુધી દરેક સીન પ્રેક્ષકોને તેમની સીટ પર જકડી રાખવામાં સફળ રીતે ફિલ્માવાયો છે. એક પણ સીન નાહકનો લાંબો કે પરાણે ખેંચ્યો નથી. ફિલ્મની વાર્તા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી રહે છે જે સ્કૂલ કાળના આકર્ષણના રસ્તાઓથી માંડીને ઉંમરના એક પડાવ પર પરિપક્વ પ્રેમના હાઇવે તરફ વળાંક લેતા દર્શાવે છે.

ફિલ્મની વાર્તા કંઇક આ પ્રમાણે છે. હસમુખભાઇ (દેવેન ભોજાણી)  તેમના પિતા અને દિકરી ક્રિના (આરોહી પટેલ) સાથે રહે છે, આ પરિવારમાં નોકર કુકુ અને પેટ પપી કુકી પણ છે. બીજી તરફ એક પરિવાર છે જેમાં પાનકોરબેન પાપડવાલા (પ્રાચી શાહ પંડ્યા), પોતાના ભાઇ (જય અરવિંદ ઉપાધ્યાય) અને પુત્ર હાર્દિક (આર્જવ ત્રિવેદી) સાથે રહે છે.

હસમુખ ભાઇ ક્રિનાના લગ્ન માટે ચિંતિત છે, અનેક છોકરાવાળાની ના આવી ચૂકી છે. ક્રિના સેમી (નમન ગોર)ના પ્રેમમાં છે એટલે જે પણ છોકરા તેને જોવા આવે તે ના પાડી દે તેવું જ વર્તન કર છે. આખરે હસમુખભાઇ મેરેજ બ્યુરોની મદદથી એક મુરતિયો હાર્દિક શોધી કાઢે છે અને તેઓ હાર્દિકને જોવા તેમના ઘરે જાય છે, જ્યાં તેમની મુલાકાત હાર્દિકની માતા પાનકોર સાથે થાય છે, જે હસમુખનો સ્કૂલ સમયનો પ્રેમ છે જેની સમક્ષ પોતાના હૃદયની વાત તે કદી બોલી જ નહોતો શક્યો. હાર્દિક જ્હાનવી (અલિશા પ્રજાપતિ)ના પ્રેમમાં છે. એટલે હાર્દિક અને ક્રિના ઘરે લગ્ન માટે હા પાડવાનું નાટક કરવાનું નક્કી કરે છે જેથી પરિવાર તેમને અન્ય માંગા ન બતાવે.

બીજી તરફ હસમુખ અને પાનકોરની ફરી મુલાકાતો શરુ થાય છે અને તેમનો સ્કૂલ સમયનો પ્રેમ હવે પરિપક્વ થાય છે. બંનેને એકમેકના સાથની જરુર છે અને ફરી પ્રેમમાં પડે છે. હસમુખ અને પાનકોરના સ્કૂલ સમયની લવસ્ટોરીને પણ ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે અને સ્કૂલ સમયમાં તેમનો પ્રેમ શા માટે અધૂરો રહી જાય છે તે રુપેરી પડદે જોવાની અને જાણવાની  પ્રેક્ષકોને વધુ મજા આવશે. હસમુખ પાનકોરને લગ્ન મંડપેથી જ ભાગી જવા માટે વિનવે છે પણ પાનકોર બાળકોની ખુશી આગળ પોતાના પ્રેમનું બલિદાન આપવાનો નિર્ણય લે છે.

શું હસમુખ અને પાનકોર ફરી એક થઇ શકશે ? શું વેવાઇ અને વેવાણ લગ્ન મંડપેથી ઉડન છૂ થઇ જાય છે ? શું હાર્દિક અને ક્રિના પોતપોતાના વાલીના દિલની વાત સમજી શકશે ? આ બધા જ પ્રશ્નોનો જવાબ જાણવા માટે ફિલ્મ જોવી જરુરી છે. ફિલ્મમાં ખૂબ જ હળવી કોમેડી છે, હૃદયસ્પર્શી હ્યુમર સાથેની અનેક પંચલાઇન્સ છે.

ફિલ્મના રાઇટર – ડિરેક્ટર  અનિષ શાહ. ફિલ્મના પ્રોડ્યુસર્સ  રાહુલ બાદલ, જય શાહ, અનિષ શાહ. સંગીત  સિદ્ધાર્થ અમિત ભાવસાર. ગીતકાર  ભાર્ગવ પુરોહિત.  વર્ષ 2024ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે ‘ઉડન છૂ’ વેસ્ટર્ન ટાઈમ્સ તરફથી ફિલ્મને પાંચ માંથી પાંચ સ્ટાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.