Western Times News

Gujarati News

માન્ય ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા ૧ર તબીબોના ક્લીનીક સીલ કરાયા

શહેરની શ્રમજીવી વસાહતોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યોઃ અગાઉ લાંભામાં પણ બે બોગસ તબીબ ઝડપાયા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે કોઈ અન્ય ડીગ્રી મેળવી એલોપેથીની સારવાર આપતા કે પછી મુળ ડોકટરના નામે ભળતી વ્યક્તિ દ્વારા જ સારવાર આપવામાં આવતી હોવાના અનેક કિસ્સા બહાર આવે છે

જે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અવારનવાર ચેકિંગ કરી આવા તબીબોના દવાખાના સીલ કરવામાં આવે છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે આજ પ્રકારની તપાસ કરવામાં આવતા ૧ર જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા. જેમના કલીનીક સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર શહેરના તમામ ઝોનમાં માન્ય એલોપેથીક ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા અનેક ડોકટરો હોવાની ફરિયાદો મળતી રહે છે જેના આધારે શુક્રવારે તપાસ કરતા ૧ર ડોકટરો માન્ય ડીગ્રી વગર કે અધિકૃત પરવાનગી વગર દવાખાનામાં દર્દીઓને દાખલ કરી સારવાર આપતા હતા. આવા કલીનીકોને સીલ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા જેમના કલીનીક સીલ કરવામાં આવ્યા છે તેમાં ડો. આર.એસ. પાટીલ (ઓઢવ), સીમુલભાઈ બી. વિશ્વાસ (ઓઢવ), ઓઢવ કલીનીક (ઓઢવ), હસમુખભાઈ શાહ (ચાંદખેડા), ડો. એમ.એમ. ત્રિવેદી (સરસપુર), ડો. કૌશલ પારેખ (લાંભા), ડો. એચ.એસ. સૈયદ (લાંભા), ડો. અક્ષયકુમાર કુશ્વાહા (લાંભા),

ડો. આલોક (લાંભા), એમ.એસ. સાંચોરા (સરખેજ), સમા મેમણ (સરખેજ), અને સીમા મોરસ (સરખેજ)નો સમાવેશ થાય છે. આ અગાઉ દક્ષિણ ઝોનમાં રર ઓગસ્ટે ર કલીનીક સીલ કરવામાં આવ્યા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.