ગ્રીન કોરીડોર મારફતે હ્રદયને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યુ
સિવિલ હોસ્પિટલ માં ૧૬૪ મુ અંગદાન –શિક્ષક દિવસની પુર્વ સંધ્યાએ સમગ્ર પરીવારે એકજૂટ થઇ અંગદાનનો નિર્ણય કરીને સમગ્ર સમાજ માટે આદર્શ દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યું
સિવિલ હોસ્પિટલ માં થયુ ૫૦ મું હ્રદય દાન….સિવિલ હોસ્પિટલમાં ૧૬૪ મા અંગદાનથી એક હ્રદય, બે કીડનીનું દાન મળ્યુ
શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૪ મું અંગદાન થયું છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૫૦ હ્રદયનુ દાન સંપન્ન થયું.
સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ ૧૬૪ માં અંગદાનની વાત કરીએ તો વટવા , અમદાવાદ રહેતા એવા રાજપુત ઇંદ્રજીતસિંહ ને તા. ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ નારોલ ખાતે અકસ્માત થતા માથા ના ભાગે ઇજા થઇ હતી. ઇંદ્રજીતસિંહને પ્રથમ એલ.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં તારીખ ૧લી સપ્ટેમબર ના રોજ લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૪-૦૯-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ ઇંદ્રજીતસિંહને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તના પત્ની, ભાઇ, ભાભી, સાળા સહિતના પરીવારજનોને સિવિલ હોસ્પીટલ ના ડોકટરો તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દીલીપ દેશમુખ(દાદા) અને પ્રણવભાઇ મોદીએ અંગદાન વિશે સમજાવતા સૌએ સાથે મળી સર્વસંમતિ થી ઇંદ્રજીતસિંહના અંગો નુ દાન કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , હ્રદય અને ફેફસા જેવા અંગો કોઇ જીવીત વ્યક્તિ દાન કરી શકતુ નથી . જેથી હ્રદય ટ્રાન્સપ્લાન્ટની જરુર હોય તેવા દર્દી માટે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી હ્રદય મળે અને ટ્રાન્સપ્લાન્ટ થાય તે જ એક્માત્ર આશાનું કિરણ હોય છે.
સિવિલ હોસ્પિટલે આદરેલા માનવતા ના આ અંગદાન મહાદાન અભિયાન થકી અત્યાર સુધીમાં ૫૦ હ્રદય ના દાન થી હ્રદય ફેઇલ્યોર થી પીડીત ૫૦ લોકોની નવી જીંદગી ની આશાઓ ને આપણે પ્રાણ આપી શક્યા છીએ. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૪ અંગદાતાઓ થકી કુલ ૫૩૦ અંગો નું દાન મળેલ છે. જેના થકી ૫૧૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
ઇન્દ્રજીતસિંહ ના અંગદાનથી મળેલ બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ત્રણ લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ