ઓઢવના વેપારી સાથે હરિયાણા અને દિલ્હીના વેપારીઓની રૂપિયા ૪.૪૦ કરોડની ઠગાઇ
ઓઢવ, અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એમએસ વાયરના એક વેપારી સાથે ભાગીદારીમાં આયાતી મસાલાનો ધંધો કરવાના નામે હરિયાણા અને દિલ્હીના બે વેપારીઓએ ભેગા મળીને રૂ.૪.૪૦ કરોડની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મૂળ રાજસ્થાનના અને રાણીપ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર કોઠારી (ઉ.વ.૪૮) તથા ઓઢવની હરિઓમ એસ્ટેટમાં બી.એમ. ટ્રેડિંગ કંપની મારફતે એમએસ વાયરનો વેપાર કરતા હતા.
૨૦૧૯માં એમના મિત્ર રફુદિન કાદરી કે જેઓ વિદેશમાંથી ઇમ્પોર્ટ કરી મરી મસાલાનો વેપાર કરે છે, તેમની સમક્ષ પોતાને પણ મસાલાનો ધંધો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આથી કાદરીએ તેમના ઓળખાણમાં હરિયાણા ગુરુગાવના રહેવાસી વિનોદ શર્મા સાથે મુલાકાત કરાવી હતી. શર્મા વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી મરીમસાલા મગાવી આપશે, જેનાથી સારો નફો થશે એવી વાત કરી હતી. આ પછી કોઠારીએ માલ ઇમ્પોર્ટ કરવા શર્માને પૈસા આપ્યા હતા. જોકે, શર્માએ મસાલા મગાવી બારોબાર વેચી મારી પૈસા ચાઉં કરી ગયો હતો.
આથી કોઠારીએ કડકાઇપૂર્વક ઉઘરાણી કરતાં વિનોદ શર્માએ નવી દિલ્હીના સુનિલ ચોધરી નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. બન્ને જણાએ કોઠારીને લાલચ આપી કે તમારી બી.એમ. ટ્રેડિંગ કંપનીના નામે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ છે એના પર ધંધો કરીશું. આમ, ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન વિનોદ શર્મા અને સુનિલ ચૌધરીએ ભેગા મળી કોઠારી પાસેથી ટુકડે ટુકડે કરીને રૂ.૪.૪૦ કરોડનો માલ વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી મગાવીને બારોબાર વેચી માર્યાે હતો.
આમાંથી એકપણ રૂપિયો કોઠારીને પાછો આપ્યો ન હતો. આથી રાજેન્દ્ર કોઠારીએ ઓઢવ પોલીસ મથકમાં હરિયાણાના વિનોદ શર્મા અને નવી દિલ્હીના સુનિલ ચૌધરી સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.SS1MS