અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટરને 3 લાખની લાંચ લેતા ઝડપી લેતી એસીબી
અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી.
આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.
અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ સોમવારે ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.