Western Times News

Gujarati News

૨૦૨૬ સુધી પૂજા ફાર્મ-વટવા 100 ફૂટ રોડ પર ડ્રેનેજ સુવિધા મળે તેમ નથી

અમુક બિલ્ડરોએ સ્ટોર્મ વોટર લાઈનમાં ગેરકાયદે જોડાણ કર્યા

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ અમદાવાદ શહેરના વટવા વોર્ડમાં પૂજા ફાર્મથી વટવા તરફ બનાવવામાં આવેલા ૧૦૦ ફૂટ રોડ પર અનેક હાઇરાઈઝ બિલ્ડીંગ બની ગયા છે તેમજ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. ૧૦૦ ફૂટ રોડની દુહાઈ આપી બિલ્ડરો ઘ્‌વારા મનમૂકી ભાવવધારો કરવામાં આવ્યો છે પરંતુ અહી મિલ્કત ખરીદનારને આ રોડ પર ડ્રેનેજ લાઇન ઉપલબ્ધ નથી તેવી કોઈ જ માહિતી ડેવલપર તરફથી આપવામાં આવતી નથી.

બિલ્ડરો દ્વારા ગ્રાહક પાસેથી ડ્રેનેજ – પાણીના ચાર્જ પણ લેવામાં છે પરંતુ આ પૈકી કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી તેમજ સુઅરેજ વોટર ખુલ્લામાં છોડવામાં આવી રહ્યા છે. જેના માટે બિલ્ડરલોબી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને દોષ આપવામાં આવી રહ્યા છે જયારે મ્યુનિસિપલ અધિકારીઓના કહેવા મુજબ બી.યુ. ખાલકુવા ની શરતે જ આપવામાં આવી છે.

લાંભા ભમ્મરિયાથી વટવા તરફ જતા ૧૦૦ ફૂટ રીંગરોડ પર ડ્રેનેજ મામલે બિલ્ડરો અને મ્યુનિસિપલ કોર્પોરેશન પરસ્પર આક્ષેપ કરી રહ્યા છે જેમાં ઊંચા ભાવથી મિલ્કત ખરીદનાર લોકો પીસાઈ રહયા છે.

આ મુદ્દે મ્યુનિસિપલ ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના એડિશનલ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ કામ ઝોન લેવલ થી થઈ રહ્યું છે તેથી વટવા વોર્ડના ઈજનેર અધિકારીનો સંપર્ક કરતા તેમણે સચોટ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોડ પર લાઈનો નાખવાના કામ પૂરા થઈ ગયા છે. આ લાઈનોને દેવમ પંપિંગ સ્ટેશન લઈ જવાની છે.

જ્યાં સુધી લાઇન લઈ જવામાં એક ખાનગી માલિકીની જગ્યા આવે છે તેના ખેડૂત પાઇપલાઇન માટે જગ્યા આપવા હજી સહમત થયા નથી તેથી કામ અટક્યું છે. ખેડૂત આજની તારીખે જગ્યા આપે તો પણ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ડ્રેનેજ નું કામ પૂર્ણ થાય તેમ નથી. દેવમ પંપિંગ ની કેપેસિટી ૭૩ એમ એલ ડી છે જેમાં વટવા મહાલક્ષ્મી તળાવ તરફથી આવતી લાઇનોમાંથી ૨૦ એમ.એલ.ડી. પાણી આવે છે

તેથી ભવિષ્યમાં૧૦૦ ફૂટ રોડની લાઇનોના જોડાણ થશે ત્યારે દેવમમાં પણ ઓવરફલો ની સમસ્યા થઈ શકે છે તેથી અહીં કેપેસિટી માં વધારો કરવો જરૂરી છે. આ વિસ્તારમાં થોડા સમય પહેલા બનેલી કર્ણાવતી-૫ સ્કીમને કાયદેસર નવાણા પંપિંગ સ્ટેશનમાં જોડાણ આપવામાં આવ્યું હતું. પરંતુ અહીં બેકિંગનો પારાવાર પ્રોબ્લેમ થતા ઉપરથી મળેલી સૂચના મુજબ ડ્રેનેજ લાઈનમાંથી કનેક્શન દૂર કરી સ્ટોર્મ વોટર લાઈનમાં જોડાણ કરી આપવામાં આવ્યું છે. ઈજનેર વિભાગ ની આ એક અનન્ય સિદ્ધિ છે.

પૂજા ફાર્મ – વટવા વોર્ડની ડ્રેનેજ સમસ્યા અંગે કેટલાક બિલ્ડરો નો સંપર્ક કરતા તમામે કર્ણાવતી ગ્રુપના ચતુરભાઈ પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેઓના કહેવા મુજબ નારોલમાં આ બધી બાબતો તેઓ જ મેનેજ કરે છે. તેથી ચતુરભાઈ પટેલ ટેલિફોનિક સંપર્ક કરી આ રોડ પર ડ્રેનેજ સુવિધાની સ્થિતિ શુ છે? તેવા સવાલ ના જવાબમાં તેમણે શરૂઆત માં ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

ત્યારબાદ ભારે સમજાવટ બાદ તેઓ માત્ર એટલું જ બોલ્યા હતા કે આ મામલે એકલા બિલ્ડરો જ દોષિત નથી. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ડેવલપમેન્ટ ને ધ્યાનમાં રાખી માળખાકીય સુવિધાઓ તૈયાર કરવી જરૂરી છે. અન્ય એક બિલ્ડરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીના લેવલ ઊંચા હોવાથી ખાલકુવા બનાવવા શક્ય નથી.

પૂજા ફાર્મ ૧૦૦ ફૂટ રોડ પર ડ્રેનેજ સુવિધા ન હોવા છતાં બી.યુ. આપવા અંગે એસ્ટેટ અને ઈજનેર વિભાગ પણ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ ના જણાવ્યા મુજબ તેમણે જે તે સમયે ઈજનેર વિભાગનો અભિપ્રાય માંગ્યો હતો જયારે ઈજનેર વિભાગના અધિકારીઓ ના જણાવ્યા મુજબ તેમના વિભાગમાં આવી કોઈ ફાઇલ આવી જ નથી.

આમ, આ સમગ્ર મામલો અટવાઈને પડ્‌યો છે. મ્યુનિસિપલ વિજિલન્સ વિભાગ ઘ્‌વારા તપાસ કરવામાં આવે અને કમિશનર તરફથી નક્કર પગલા લેવામાં આવે તો જ ઊંચી કિંમતે મિલ્કતો ખરીદનાર લોકોને રાહત થશે અન્ય ચકચકાટ રોડ ઉપર પણ સુઅરેજ વોટર વહેતા થશે તે દિવસો પણ દૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.