Western Times News

Gujarati News

આ કારણસર ગુલબાઈ ટેકરા ખાતે બે વર્ષ મૂર્તિઓ બનશે નહીં

File Photo

૧ર૦૮પ (૧.૩૦ લાખ સ્કવેર ફૂટ) ચો.મી. જગ્યામાં ૯૦૦ જેટલા નાના મોટા ઝૂંપડાં આવેલા છે. – ‘હોલીવૂડ’ની કાયાપલટ થશે ૯૦૦ ઝૂપડાં હટાવી મકાન-દુકાન બનાવાશે

(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા અમદાવાદમાં ‘હોલીવૂડ’ તરીકે ઓળખાતા ગુલબાઈ ટેકરા વિસ્તારની કાયાપલટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
એએમસી દ્વારા ગુલબાઈ ટેકરાનું રિડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે અને આ હેતુસર એક ડેવલેપરનું રૂ.૯૯ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.

ગુલબાઈ ટેકરા બળિયાદેવ મંદિરથી પાસપોર્ટ ઓફિસ તરફ જવાના રોડ પરના પ્લોટમાં રિડેવલપમેન્ટ અંતર્ગત મકાનો બનાવાશે. ગુલબાઈ ટેકરામાં એએમસીના પ્લોટમાં લગભગ પ૦ વર્ષથી રહેતા બાવરી સમાજના લોકો ગણપતિ સહિત દેવી-દેવતાની મૂર્તિઓ બનાવીને વેચતા લોકોને હવે ત્યાંથી હટાવી તેમના માટે ૩રર સ્કવેર ફૂટના ૮પ૪ નવા મકાન અને ૧૦ દુકાન બનવાશે.

આ મકાનો તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. બિલ્ડર દ્વારા રહીશોને ભાડું ચૂકવણીના ચેક આપવાનું પણ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં ર૮૦થી વધુ લોકોને ચેક આપી દેવામાં આવ્યા છે. ચેક આપવાની પ્રક્રિયા પૂરી થતાં જ જગ્યા ખાલી કરાવાશે. આમ બાવરી સમાજના લોકો અન્ય સ્થળે રહેવા જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટીપી-ર૦ એફપી-ર૮રમાં ૧ર૦૮પ (૧.૩૦ લાખ સ્કવેર ફૂટ) ચો.મી. જગ્યામાં ૯૦૦ જેટલા નાના મોટા ઝૂંપડાં આવેલા છે. એએમસી દ્વારા ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ યોજના ર૦૧૩ અંતર્ગત ૮પ૪ મકાન અને ૧૦ જેટલી દુકાન બનાવવામાં આવશે. આ હેતુસર આગામી છ મહિનામાં કામગીરી શરૂ થઈ જશે.

હાલમાં રહેતા બાવરી સમાજના લોકોને ત્યાંથી મકાન ખાલી કરવા માટેની જાણ કરવામાં આવી છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ૩૦૦૦ નાના મોટા મકાનોમાં બાવરી સમાજના ૩પ૦૦૦ જેટલા લોકો રહે છે. બાવરી સમાજના લોકો દ્વારા માટીની, ઈકો ફ્રેન્ડલી અને પીઓપીની મૂર્તિઓ અહીં બનાવવામાં આવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીમાં નાની મોટી એક લાખથી વધારે મૂર્તિઓ બનાવવામાં આવે છે.

ડેવલપમેન્ટ કરવાને લીધે આગામી બે વર્ષ સુધી આ જગ્યામાં ગણેશની મૂર્તિઓ બનાવી શકાશે નહીં. ત્યારે મૂર્તિકારોએ પ્લોટ ફાળવવા એએમસી સમક્ષ માગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.