ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા
Ø ‘ત્રિચક્રીય વાહન યોજના‘ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૯૨૫ લાભાર્થીઓને લાભ અપાયો
Ø બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન પર રૂ. ૪૮ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. ૧૨ હજારની સહાય
Ø આ દ્વિચક્રીય વાહન ચલાવવાનો ખર્ચ અંદાજે ૨૦ પૈસા પ્રતિ કી.મી.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ
ઈલાજ છે.
આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ માં ધોરણ ૯ થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત ‘દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના‘ અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ-વાહનો ખરીદ્યા છે.
જેમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી – GEDA દ્વારા અંદાજે રૂ. ૫૬ કરોડથી વધુની સહાય ડારેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવાઈ છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવાયું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર રૂ. ૪૮ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. ૧૨ હજારની સહાય DBT દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે, દ્વિચક્રી વાહન ચલાવવાનો ખર્ચ માત્ર ૨૦ પૈસા પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. આ સિવાય ક્રુડ ઓઈલને આયાત કરાતું હોવાથી તેના હુંડીયામણમાં પણ જંગી ખર્ચ થાય છે.
આમ કલાઈમેટ ચેન્જની સમસ્યા વચ્ચે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ, પર્યાવરણનું જતન અને રાષ્ટ્રહિત એમ તમામ રીતે લાભદાયી છે. વિશ્વભરમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા આપણે ઈ-વાહનોનો ઉપયોગ વધારવો પડશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, રાજ્યના રિક્ષાચાલકો, મહિલા અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો, બેરોજગારોને રોજગારી આપવા તેમજ સહકારી મંડળીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ., યાત્રાધામો જેવી સંસ્થાઓને પણ લાભ મળે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી બેટરી સંચાલિત ‘ત્રિચક્રીય વાહન સહાય યોજના‘ અમલી બનાવી છે.
આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિ વાહન રૂ. ૪૮ હજારની નાણાકીય સહાય પણ DBT દ્વારા આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯૨૫ લાભાર્થીઓને રૂ. ૪ કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. આ યોજનાઓને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વવાળી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દ્રિચક્રીય વાહનો માટે ૭,૫૦૦ તેમજ ત્રિચક્રીય વાહનો માટે ૧,૦૦૦ નો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા માટે તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનના વિકાસકારોને નાણાકીય પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ ૨૦૨૧થી અમલી બનાવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ઇલેક્ટ્રિક વાહનોના મુખ્ય લાભ
ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી ઉપરાંત, ગ્લોબલ વર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે.
સાથે જ ઊર્જાની નોંધપાત્ર બચત, પેટ્રોલ-ડિઝલના વધુ ખર્ચથી મુક્તિ, બેટરી, મોટર કંટ્રોલર, ચાર્જર જેવા ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોવાથી ઓછો મેઇન્ટેનન્સ તેમજ મોબાઈલની જેમ બેટરીને ચાર્જ પણ કરી શકાય છે. આ ઉપરાંત બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનના ઉપયોગથી પેટ્રોલની બચત સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે.