શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશોત્સવની પાર્ટી પછી રંગેચંગે વિસર્જન
મુંબઈ, સર્વના જીવને દુઃખમાંથી મુક્તિ મળે અને જીવન મંગલમય બને તેવી કામના સાથે સમગ્ર વિશ્વમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના ઘરે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા અને મિત્રો-પરિવાર સાથે તેમની આરતી ઉતારવાથી રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદ પણ મળે છે.
બોલિવૂડમાં ગણેશોત્સવનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે અનેક સેલિબ્રિટીઝે પોતાના ઘરે ગણપતિજીની પધરામણી કરાવી છે અને આ પ્રસંગે દર્શન-પ્રસાદનો લાભ આપવાના આયોજનો પૂરજોશમાં ચાલી રહ્યા છે.
ગણશ ચતુર્થીના દિવસે ભગવાનની સ્થાપના સાથે ઉત્સવના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે બોલિવૂડની પાર્ટીઓમાં ડાન્સ અને મસ્તી છવાયેલા રહે છે, પરંતુ આ વિશેષ પ્રસંગે ભજનો અને ભક્તિભર્યા માહોલની બોલબાલા છે ડિઝાઈનર-ફિલ્મ મેકર મનીષ મલહોત્રાએ ગણેશ સ્થાપના બાદ ઘરે પાર્ટી હોસ્ટ કરી હતી.
આ પાર્ટીમાં રેખા, કાજોલ, કિયારા અડવાણી, પૂજા હેગડે, આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપ, સનાયા કપૂર, ખુશી કપૂર, અર્જુન કપૂર સહિત નિકટના મિત્રોએ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજરી આપી હતી. શિલ્પા શેટ્ટીના ઘરે પણ સ્પેશિયલ આયોજન થયું હતું.
શિલ્પાના ઘરે ભગવાન શ્રીજીના દર્શન માટે સેલિબ્રિટીઝે ફેમિલી સાથે હાજરી આપી હતી. બિપાશા બાસુ-કરણ ગ્રોવરની દીકરી દેવી તથા શિલ્પા-રાજ કુંદ્રાની દીકરી સમિશાના સાથે રમતા વીડિયો વાઈરલ થયા હતા. લગ્ન બાદના પ્રથમ ગણેશોત્સવમાં રકુલ પ્રીત-જેકી ભગનાની શિલ્પાના ઘરે પહોંચ્યા હતા. પાર્ટીના બીજા દિવસે શિલ્પા અને પરિવારે રંગેચંગે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
‘સ્ત્રી ૨’ની સફળતાના કારણે ચર્ચામાં છવાયેલી શ્રદ્ધા કપૂરે આ વર્ષે ગણેશોત્સવમાં ગણપતિજીનો વિશેષ આભાર માન્ય હતો. શ્રદ્ધાએ નવા ઘરમાં પ્રથમ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી છે. શ્રદ્ધાએ આ પ્રસંગે પિતા શક્તિ કપૂર ઉપરાંત નિકટના પરિવારજનોને ઘરે બોલાવ્યા હતા.
સલમાન ખાને બહેન અર્પિતાના ઘરે ગણેશપૂજનમાં ભાગ લીધો હતો. સલમાને ભાણી આયત શર્મા સાથે ભગવાનની આરતી ઉતારી હતી. આ ઉપરાંત શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી અને બાપ્પા દરેકના સંકટ દૂર કરે તેવી કામના વ્યક્ત કરી હતી. સોનાક્ષી સિંહાએ ઝહિર ઈકબાલ સાથે લગ્ન બાદ પ્રથમ ગણેશોત્સવ ઉજવ્યો છે. સોનાક્ષીએ પોતાના ઘરમાં ગણપતિજીનું સ્થાપન કર્યું છે અને પતિ ઝહિર સાથે તે ઉત્સાહપૂર્વક ગણેશોત્સવને માણી રહી છે.SS1MS