૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક યોજાઈ
રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: ગુનાઓ પર અંકુશ લાવવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન માટે આ બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી
૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.
ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે. ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં આવી પરિષદો-બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.
અલગ અલગ રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી ટેકનોલોજી તથા પદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસીઝ) અંગે માહિતગાર થઈ તેનો અન્ય રાજ્યોમાં અનુસરણ કરવા માટે પણ આ પ્રકારની બેઠકની સાથોસાથ ઇન્ટર સ્ટેટ કો-ઓર્ડીનેશન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તે ઉપરાંત વર્તમાન પડકારો સામે ડીલ કરવા માટે આ બેઠક માર્ગદર્શક બની રહે છે.
નોંધનીય છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ વર્ષ-૨૦૧૫થી ડીજીપીશ્રી સાથે નેશનલ લેવલની કો-ઓર્ડીનેશન કોન્ફરન્સ અને ત્યાર બાદ વર્ષ-૨૦૧૬થી આ પ્રકારની ઝોનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠકનું ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા આજે ત્રીજી વખત વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક આયોજિત થઈ છે.
ગુજરાત પોલીસ રીફોર્મ્સ એડીજીપી ડૉ. નિરજા ગોટરુ દ્વારા સમગ્ર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સ દરમિયાન સાયબર ક્રાઇમ પ્રિવેન્શન, ઇન્ટર સ્ટેટ કો-ઓર્ડીનેશન, બોર્ડર મેનેજમેન્ટ, કન્વિકશન રેટ વધારવા માટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત પોલીસમાંથી લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી શમશેર સિંઘ, સી.આઇ.ડી ક્રાઇમ એડીજીપી શ્રી રાજકુમાર પાંડિયન, પી એન્ડ એમ એડીજીપી શ્રી ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી-એડીજીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.