સાણંદ ખાતે આંગણવાડી કેન્દ્રમાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમમાં વાનગી નિદર્શન, કુપોષિત બાળકોને દવાઓનું વિતરણ, નિવૃત્ત થયેલા કર્મચારીઓને ગ્રેચ્યુઈટી વિતરણ અને TLM પ્રદર્શન કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાના સાણંદ ઘટકમાં પોષણ માસ અંતર્ગત ઘટક કક્ષાએ ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ આવેલા સાણંદ ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં વાનગી નિદર્શન, કુપોષિત બાળકોને દવાઓનું વિતરણ, નિવૃત્ત થયેલા કર્મચારીઓને ગ્રેચ્યુઈટી વિતરણ, TLM (Teaching Learning Material) પ્રદર્શન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
ઉપરાંત, વાનગી નિદર્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર બહેનોને માનવસેવા ટ્રસ્ટના સહયોગથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો દ્વારા પોષણ શપથ પણ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રી, સાણંદ ઘટકના સીડીપીઓશ્રી, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓશ્રી, માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી, ટાટા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓશ્રી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.