મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા પદે શહેઝાદખાન પઠાણ યથાવત રહેશે
કોર્પોરેટરોએ કરેલા વોટીંગમાં તમામ 18 મત શહેઝાદ ખાનને મળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરવા માટે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં વર્તમાન નેતા શહેઝાદખાન પઠાણને સ્પષ્ટ બહુમતી મળતા તેઓ વિપક્ષી નેતા તરીકે યથાવત રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી થઈ તે સમયથી કોંગ્રેસમાં નેતાપદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી.જેના કારણે પાર્ટીએ વિપક્ષી નેતાની પસંદગી કરવામાં એક વર્ષનો સમય લીધો હતો ત્યારબાદ દાણીલીમડા ના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની નિમણૂક કરી હતી. પરંતુ વિરોધી જૂથ ઘ્વારા વારંવાર નેતા બદલવાની માંગણી કરવામાં આવતી હતી.
તેમજ તેમની માંગણી પૂર્ણ ન થતા મ્યુનિ.બોર્ડમાંથી વોકઆઉટ કરવો, બજેટ ચર્ચા માં ભાગ ન લેવો જેવા પાર્ટી વિરોધી કામ પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ બીજા જૂથની સતત રજૂઆતના પગલે કોંગ્રેસ પક્ષે નેતાપદ માટે ચૂંટણી કરવા નિર્ણય કર્યો હતો.
જેમાં 23 પૈકી 18 કોર્પોરેટર હાજર રહ્યા હતા એ તમામ કોર્પોરેટરે શહેઝાદખાનની તરફેણમાં વોટીંગ કરતા તેમને સ્પષ્ટ બહુમતી મળી હતી તેથી તેઓ વિપક્ષી નેતાપદે યથાવત રહેશે. શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ વિપક્ષી નેતા તરીકે તેઓ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શકે છે. અઢી વર્ષ બાદ ગમે તે સમયે નેતા બદલવા પડે તેઓ કોઈ જ નિયમ નથી.