૧૯૮૫ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલા વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકને ૧ વર્ષના ટૂંકા ગાળામાં રામુભાઈ પટેલે ઉભું કર્યુ
આજે ૩૯માં વર્ષમાં વેસ્ટર્ન ટાઈમ્સનો ગૌરવભેર પ્રવેશ
અમદાવાદ, આજે એટલે કે 12-09-2024 વેસ્ટર્ન ટાઈમ્સની ગુજરાતી આવૃત્તિની વર્ષગાંઠ છે.આજે આ અખબાર ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯ વર્ષમાં પ્રવેશે છે. આપણાં વિચાર પુરુષ ગુણવંત શાહ કહે છે કે ‘વર્ષગાંઠ એ ગાંઠો છોડવાનો દિવસ છે’ એટલે આજે અહીં આ અખબાર સાથે સંકળાયેલા સ્મરણોની ગાંઠો છોડવી છે. મૂળ વાત એવી છે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારબાદ ગુજરાત પાસે પોતીકું કહી શકાય એવું કોઈ અંગ્રેજી અખબાર નહોતું.
આવું અખબાર હોવું જોઈએ તેવી તે વખતે જન્મેલી લાગણીના પ્રતિસાદરૂપે વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિક અંગ્રેજી ભાષામાં ૧૯૬૭માં રામુભાઈ મણીભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૨-૦૯-૧૯૮૬માં વેસ્ટર્ન ટાઈમ્સની દૈનિકની ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરવાનું શરૂ કરવામાં આવ્યું.
શરૂઆતમા વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકની ઓફિસ તથા પ્રેસ ખાનપુર વિસ્તારમાં આવેલા ગુજરાત સમાચારના કંપાઉન્ડમાં કાર્યરત હતા. પરંતુ ૧૯૮૫માં અમદાવાદમાં થયેલા તોફાનો દરમિયાન ‘ગુજરાત સમાચાર’ દૈનિક પર થયેલા હુમલામાં વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકની ઓફિસ, તમામ સામગ્રી અને પ્રેસ સંપૂર્ણપણે બળી ગયા હતા.
લીલા ભેગું સુકું બળી જાય તે કહેવત મુજબ ગુજરાત સમાચાર પર થયેલા હુમલામાં વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકની ઓફિસ અને પ્રેસ બળીને ખાખ થઈ ગયા હતા. વેસ્ટર્ન ટાઈમ્સના સ્થાપક રામુભાઈ પટેલે ફિનિક્સ પક્ષી જેમ વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકને રાખમાંથી ઉભું કર્યુ અને માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ટેકનોલોજીથી પ્રેરિત થઈને ૧૯૮૬માં કોમ્પ્યુટર પર કંપોઝ પધ્ધતિથી અખબારને ફરીથી પ્રકાશિત કરવાનું શરૂ કર્યુ હતું અને સાથે જ વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકની ગુજરાતી આવૃત્તિ પણ અમદાવાદમાંથી બપોરે પ્રકાશિત કરવાનું શરુ કરવામાં આવી હતી.
૧૯૮૬ માં વેબ ઓફસેટ રોટરી મશીનથી દર કલાકે ૨૦ હજાર કોપી પ્રકાશિત કરી શકાય તેવુ આધુનિક પ્રિન્ટીંગ યુનિટ શરૂ કર્યુ હતું. તે પછી વેસ્ટર્ન ટાઈમ્સની વધેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના વડોદરા, પંચમહાલ, ઝાલાવાડ, દક્ષિણ ગુજરાત, ગાંધીનગર જિલ્લાની ગુજરાતી આવૃત્તિઓ શરૂ કરીને ગુજરાતભરમાં પ્રકાશન કાર્ય આગળ વધાર્યુ હતું.
૨૦૧૦માં રામુભાઈ પટેલનું અવસાન થતાં તેમના પુત્ર નિકુંજ પટેલ આ કાર્ય હાલ આગળ વધારી રહ્યા છે.વેસ્ટર્ન ટાઈમ્સ માટે ગૌરવમય ઘટના એ છે કે આ અખબારે ૨૦૧૩માં અમદાવાદનાં છેવાડાના કહી શકાય તેવાં વિસ્તાર શિલજ ગામ ખાતે સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીથી સજ્જ થઈ હાઈ સ્પીડ વેબ ઓફસેટ પ્રિન્ટીંગની અત્યંત આધુનિક સુવિધાઓ ઉભી કરી.
જ્યાં આજે ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ની ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યુ છે અને ગુજરાતના છેવાડાનાં જિલ્લા, તાલુકા અને ગામો સુધી વેસ્ટર્ન ટાઈમ્સ અખબાર પહોંચાડાઈ રહ્યુ છે. વેસ્ટર્ન ટાઈમ્સ દ્વારા ૨૦૧૯થી દુનિયાભરના વાચકો સુધી પહોંચી શકાય તે હેતુથી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે.આજે ડિજિટલ પ્લેટફોર્મ થકી ગુજરાતી અને અંગ્રેજી દૈનિક ઈ-પેપર અને સમાચારો ઈન્ટરનેટના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
દૈનિક અખબાર ચલાવવું એ સૌ માટે કાયમી પડકારની ઘટના છે. એમાં ગુજરાતી અને અંગ્રેજી દૈનિક અખબાર એક સાથે નિયમિત રીતે ચલાવવા એ તો વળી વધું મોટો પડકાર છે. પરંતુ અમને આનંદ એ વાતનો છે કે વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિક તેની ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિ તેનાં વાંચકો, કર્મચારીઓ, વિતરકો, ફેરિયાઓ,જાહેરાત આપનારાંઓના સહકારથી આજદિન સુધીની તેની યાત્રા નિર્વિઘ્ને પાર પાડી શક્યું છે.
આ અખબાર અત્યાર સુધી તેની ઉજળી છાપ માટે જાણીતું છે.તેનો યશ તેનાં આદ્યસ્થાપક રામુભાઇ પટેલે પાડેલી કેટલીક ઉજળી અને કડક પરંપરાઓને જાય છે.ગુજરાતના અખબાર જગતમાં રામુ પટેલની ભારે પ્રતિષ્ઠા હતી. એ ઉપરાંત ગુજરાતમાં હિતેન્દ્ર દેસાઈથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધીના દરેક મુખ્યમંત્રી રામુ પટેલ પ્રત્યે આદરભાવ રાખતા જોવાં મળ્યાં છે.તેનો પુરાવો એ છે કે વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકના સ્થાપક રામુ પટેલની, આખાં ભારતમાં પ્રતિષ્ઠા પામેલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા,નવી દિલ્હીના સભ્ય તરીકે ૨ વખત નિમણુંક થઇ હતી.
આ ઉપરાંત રામુ પટેલ ગુજરાતના દૈનિક અખબાર સંઘમાં પણ સતત સક્રિય રહીને મધ્યમ અને લઘુ અખબારોના અસ્તિત્વ માટે સતત લડતા રહ્યા હતા. કોઇપણ અખબાર કેટલાક નિયત સિદ્ધાંતો પર ચાલતું હોય છે.એ રીતે વેસ્ટર્ન ટાઈમ્સ ‘સર્વજન હિતાય’ના સુત્ર પર ચાલે છે અને એ સુત્ર સાથે જ ચાલતાં રહેવું છે એવી દ્રઢ વૃત્તિ છે. રામુભાઈ પટેલની કલમે વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી દૈનિકમાં દર સોમવારે છપાતી “મારી નોંધપોથી” અત્યંત અભ્યાસપૂર્ણ, સાહસિક, નિડરતા, પારદર્શી હતી. જેની નોંધ રાજકીય નેતાઓ, બિઝનેસમેન, લેખકો વગેરે અચૂક લેતા હતા. જે નોંધપોથી એક પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ છે.
-મનોજ શુક્લ દ્વારા (ગાંધીનગર બ્યુરો ચીફ)