Western Times News

Gujarati News

સોશિયલ મીડિયા પર શિકાર શોધી અપહરણ બાદ નાણાં પડાવતી ગેંગ ઝડપાઈ

મોજશોખ પૂરા કરવા ગુનાખોરી આચરતા ત્રણ શખ્સો ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, ઓનલાઈન જમાનામાં હવે છેતરપિંડીઓ પણ ઓનલાઈન થઈ ગઈ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં ખુબ વધી ગયો છે. અમદાવાદમાં વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા એક વ્યક્તિને બોલાવી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ આ વ્યક્તિ પાસેથી ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કેસમાં ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પોતાનો મોજશોખ પૂરો કરવા માટે આ યુવાનોએ ડિજિટલ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદ બોડકદેવ પોલીસની ગિરફ્તમાં આવેલા આ ત્રણ શખ્સોના નામ છે સ્વપ્નિલ દેસાઈ , આયુષ રબારી અને આર્યન દેસાઈ. આ ત્રણ શખ્સો પૈકી આયુષ રબારીએ ફરિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી થલતેજ બાગબાન ચાર રસ્તા પાસેથી ફરિયાદી યુવકને બોલાવ્યો હતો. બાદમાં આ ફરિયાદી યુવક ત્યાંથી પસાર થઈને કાફેમાં જતો હતો

ત્યારે ગાડીમાં આવેલા ત્રણ શખ્સો સ્વપ્નિલ દેસાઈ , આયુષ રબારી અને આર્યન દેસાઈએ આ યુવકનું અપહરણ કર્યું હતું. બાદમાં ચાલુ કારમાં તેને માર મારીને અવાવરુ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં તેની પાસે ગૂગલ-પેનો પાસવર્ડ પણ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ખોટો આપતા તેને વધારે માર પણ માર્યો હતો.

બાદમાં યુવકના ગૂગલ પેનું સ્કેનર સ્કેન કરીને તેના ખાતામાંથી રૂપિયા ૪૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધાતા આ ત્રણેય લૂંટારુઓની ધરપકડ કરી હતી.

સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ આરોપીઓની ધરપકડ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ઓએ ફરિયાદી યુવકેને સોશિયલ મીડિયા પરથી શોધ્યો હતો અને માત્ર લૂંટી લેવા માટે તેનું અપહરણ કરવાનો કારસો રચ્યો હતો. ફરિયાદી યુવકનું અપહરણ કરીને ગાડી શીલજ બ્રિજ તરફ ભગાવી હતી.

ચાલુ કારમાં બે આરોપીઓએ યુવકને લાફા મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં એક અવાવરુ જગ્યાએ જઈને યુવકનો મોબાઈલ ઝૂટવી લીધો હતો. ત્રણેય શખ્સોએ યુવકના ફોનમાં ગૂગલ-પે ખોલીને પાસવર્ડ માગ્યો હતો. યુવકે ત્રણ વખત ખોટો પાસવર્ડ આપતા આ શખ્સોએ તેને વધુ માર માર્યો હતો. આ શખ્સોએ સાચો પાસવર્ડ આપી દઈશ તો જ્યાંથી ઉપાડ્યો ત્યાં ઉતારી દેવાનું કહેતા યુવકે ગૂગલ-પેનો સાચો પાસવર્ડ આપ્યો હતો.

બાદમાં શખ્સો એ સ્કેનર સ્કેન કરીને ૪૦ હજાર રૂપિયા ટ્રાન્સફર લીધા હતા. આ સમગ્ર બનાવની વાત ફરિયાદી યુવકે પરિવાર ને કહેતા પરિવારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાતાની સાથે જ બોડકદેવ પોલીસે બેન્ક એકાઉન્ટ નંબરના આધારે આરોપીના મોબાઈલ નંબર મેળવી લીધા હતા.

બાદમાં આરોપીઓના સરનામાં મળતાની સાથે જ અલગ અલગ ત્રણ ટીમો બનાવીને અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાંથી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી કાર લે વેચનું કામ કરે છે તો બીજો આરોપી સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.