રાજકોટમાં પત્નીને મોબાઈલમાં મેસેજ કરનારને પતિએ છરી ઝીંકીને પતાવી દીધો
રાજકોટ, રાજકોટમાં પત્નીને મોબાઈલમાં મેસેજ કરનારા એક આધેડને પતિએ છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. કોઠારિયામાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.
રાજકોટના કોઠારીયા રેલવે સ્ટેશન સામે સામે હરિદ્વાર સોસાયટી-૧માં રહેતાં અને નજીકમાં આવેલી ગણેશ પાર્ક સોસાયટીની ઓફિસમાં બેસી સોસાયટીમાં પાણી વિતરણ સહિતનું કામ સંભાળતાં ભક્તિરામભાઇ મગનલાલ નિમાવત (ઉ.૪૫) સાંજે આઠેક વાગ્યે ગણેશપાર્કની ઓફિસમાં શેટી પર સુતા હતા.
આ વખતે તેના શેઠ કિશોરભાઇ હિરાણી પણ ત્યાં બહાર બેઠા હતાં. આ સમયે ગણેશપાર્કમાં જ રહેતાં રામજી મંગાભાઈ મકવાણાએ ધસી આવીને ભક્તિરામને છાતીમાં છરીનો એક જ ઘા ભોંકી દીધો હતો અને ભાગી ગયો હતો અને ઘાયલ ભક્તિરામભાઇનું મોત નીપજ્યું હતુ.
ગણેશપાર્કમાં રહેતાં રામજીની પત્ની રીટાને હત્યાનો ભોગ બનનાર ફોનમાં મેસેજ કરતો હતો. આ મામલે એક મહિના પહેલા ઝઘડો થયો હતો અને સમાધાન થઈ ગયું હતું. છતાં રામજીએ ખાર રાખી ગત સાંજે ભક્તિરામભાઇ ગણેશપાર્કની ઓફિસમાં આવ્યાની જાણ થતાં ત્યાં જઇ હત્યા કરી નાખી હતી.
જો કે તે ભાગી જાય એ પહેલા દબોચી લેવાયો છે.કોઠારીયા સોલવન્ટના જ ગણેશ પાર્ક-૨માં રહેતાં રામજી મંગાભાઇ મકવાણા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ભક્તિરામભાઈ નિમાવતની હત્યામાં ક્રાઇમ બ્રાંચે આરોપી રામજી મંગાભાઇ મકવાણાને તે ગામ મુકી ભાગે એ પહેલા પકડી લીધો હતો.
પોલીસ સમક્ષ આરોપી રામજીએ રટણ કર્યુ હતું કે અગાઉ ભક્તિરામ અને મારા પત્નિ એક બીજાને મેસેજ કરતાં હતા. આ કારણે માથાકુટ થઇ હતી. બાદમાં સમાધાન થઇ ગયું હતું અને હવે મેસેજ નહિ થાય એવુ કહેવાયું હતું. આમ છતાં મેસેજ થતાં હોવાનું મને લાગતાં ગુસ્સો આવતાં મેં તેને છરી ઝીંકી દીધી હતી.
આરોપીના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે રામજીની પત્ની તેના ભાઇના ઘરે જતી રહી હતી. ત્યાંથી બોલાવવા જવા છતાં ન આવતાં રામજીને ગુસ્સો ચડયો હતો કે ભક્તિરામને કારણે જ મારી પત્ની આવતી નથી, તેવું માનીને તેણે છરી ઝીંકી દીધાનું રટણ કર્યુ હતું.SS1MS