Western Times News

Gujarati News

સ્ત્રીઓને પેડૂમાં અસહ્ય દુખાવો રહેતો હોય તો અજમાવો આ ઉપાય

ગર્ભાશયમાંથી માસિકસ્ત્રાવને પ્રવૃત્ત કરાવવાનું કાર્ય પણ અપાનવાયુનું છે. આ અપાનવાયું જ અવળી ગતિના થતાં દર મહિને માસિકસ્ત્રાવની સ્વાભાવિક ગતિ ન થતાં દર મહિને માસિકસ્ત્રાવની સ્વાભાવિક ગતિ-પ્રવૃત્તિ અસ્વાભાવિક બને છે. પરિણામે માસિકધર્મ વખતે આવી સ્ત્રીઓને પેડૂમાં અસહ્ય દુખાવો ઉત્પન્ન થાય છે. એવો આયુર્વેદિય મત છે. કેટલીક સ્ત્રીઓમાં તો આ વિકૃતિને લીધે માસિક વખતે પેડુમાં પ્રસૂતિ જેવી અસહ્ય વેદના થતી હોય છે.

આપણે જાણીએ છીએ કે, આયુર્વેદમાં સેંકડો ઔષધયોગો છે. ઔષધયોગ એટલે અમુક ઔષધોનું અમુક માત્રામાં મિશ્રમ કરીને બનાવાતું ઔષધ. આવા ઔષધોમાં આસવ, આરિષ્ટ, ઉકાળા, ચૂર્ણો, ગોળીઓ, અવલેહ, પાક, તેલો, લેપો વગેરેનો સમાવેશ થાય છે. આવાં ઔષધયોગોમાં જે મુખ્ય ઔષધ હોય તે ઔષધના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવે છે. આ ઉપરથી ખ્યાલ આવી શકે કે આ દવામાં મુખ્ય ઔષધ કયું છે ?

ઘણી વાર આવા ઔષધયોગો જે મુખ્ય રોગ પર ધારી અસર કરતા હોય તે રોગના નામની શરૂઆત સાથે ઔષધનું નામ પાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્વાસ-કુઠારસ, ર્કૃમિ-કુઠારસ પ્રદરાંતકલોહ, રજપ્રર્વિતનીવટી વગેરે. પ્રધાન અથવા મુખ્ય ઔષધના નામ પરથી સેંકડો ઔષધયોગો બનાવવામાં આવે છે. જેમ કે મુખ્ય ઔષધ હિંગ સાથે પ્રયોજાતા કુલ આઠ ઔષધોના મિશ્રણથી બનાવવામાં આવતું પ્રખ્યાત હિંગ્વાષ્ટક ચૂર્ણ’ એ જ રીતે ચિત્રકાદિવટી,

અર્જુનાસવ, પુનર્નવાદિવટી, લોહાસવ, કુટજનવટી, મામેજવા ઘનવટી, ગોક્ષુરાદિ ક્વાથ વગેરે. આવા ઔષધોમાં અશોકારિષ્ટનું મહત્ત્વ છે. ઘણાં સ્ત્રીરોગોમાં વૈદ્યો દર્દીઓને આ દ્રવ ઔષધ લખી આપે છે. માત્ર સ્ત્રીઓનું જ આ ઔષધ છે, એવું પણ નથી. બીજા ઘણાં રોગોમાં તે પ્રયોજાય છે. આમ છતાં પણ તે અનેક રોગોમાં ઉત્તમ પરિણામ આપતું હોવાથી મોટા ભાગના વૈદ્યો તેનો સ્ત્રીરોગોમાં ખાસ ઉપયોગ કરાવતા હોય છે.

આયુર્વેદમાં સ્ત્રીઓને થતાં ૨૦ પ્રકારના યોનિ રોગોમાંથી એકનું નામ છે, કષ્ટાર્તવ પણ કહેવામાં આવે છે. કષ્ટ એટલે પીડા અને આર્તવ એટલે માસિક વખતે સવતું લોહી. આમ જે સ્ત્રીઓને માસિક વખતે સખત દુખાવો રહેતો હોય, તેને ઉદાવતર્તાયોનિ અથવા કષ્ટાર્તવની વિકૃતિ થઈ છે, એમ કહી શકાય. આ સાથે અહીં એ પણ સમજી લેવું જોઈએ ,તેમાં યોનિનો વ્યાપક અર્થ ગર્ભાશય એવો થાય છે. ઉદાવર્તાયોનિ અથવા કષ્ટાર્તવમાં વાયુનો પ્રકોપ મુખ્ય હોય છે.

ઉદાવર્ત એટલે પ્રતિલોમ અથવા અવળો. આ રોગમાં અપાનવાયુનો પ્રકોપ અવળો એટલે કે ઉર્ધ્વગતિનો થાય છે. આ અપાનવાયુનું મૂળ સ્થાન પકવાશય ગણાવાયું છે, અને તે ગર્ભાશયની બાજુમાં જ આવેલું હોવાથી તેના કાર્યક્ષેત્રમાં સમગ્ર પ્રજનનક્ષેત્ર આવી જાય છે. વાયુના પ્રકોપ વગર દુખાવો થાય નહીં. વાયુનું સ્થાન ગર્ભાશયની બાજુમાં જ આવેલું હોવાથી તેની સૌથી વધારે અસર ગર્ભાશય ઉપર થાય છે. અપાન વાયુની સ્વાભાવિક ગતિ નીચી છે.

તે જ્યારે ઉર્ધ્વ બને ત્યારે પ્રજનનતંત્રના કાર્યોમાં અડચણ ઉત્પન્ન કરે. જો મળાશય અથવા પક્વાશય સ્થિત આ અપાનવાયુ સમ્યગ રીતે કાર્ય કરતો હોય તો સ્ત્રી પુરુષોમાં મળ, મૂત્ર, ગર્ભ, આર્તવ, શુક્ર વગેરેના શારીરિક કર્મો સુખરૂપ થાય અને તે જો પ્રતિલોમ એટલે કે અવળી ગતિનો થાય તો ઉદસ્થ ઘણાં કાર્યો સ્વભાવિક નોર્મલ રીતે થતાં નથી. કષ્ટાર્તવમાં કષ્ટ-દુખાવો એ વાયુના પ્રકોપનું પ્રધાન લક્ષણ છે. આ રોગનું મૂળભૂત કારણ વાયુદોષ હોવાથી ઉપચાર વખતે તેને દૃષ્ટિ સમક્ષ રાખવો પડે છે.

વાયુના ઉપચારમાં દિવેલ તે ઉત્તમઔષધ છે એટલે જેમને આ વિકૃતિ હોય, તેમણે માસિકના ૧૫માં દિવસથી રોજ સવારે અથવા રાત્રે ત્રણેક ચમચી એરંડિયું પીવું જોઈએ ચણાના દાણા જેટલું શુધ્ધ શીલાજીત એક ચમચી ત્રિફળા ચૂર્ણ, બે ચમચી ઘી એક ગ્લાસ દૂધમાં નાંખી રાત્રે પીવું. આરોગ્યર્વિધની એક એક ગોળી સવારે અને રાત્રે લેવી.
ઉપચાર, આ અશોકારિષ્ટનું પ્રધાન ઔષધ છે અશોક

. આ અશોક એટલે આસોપાલવ બંગલાઓના કંપાઉન્ડમાં ઉગાડવામાં આવતા શંકુ આકારી આસોપાલવની આ વાત નથી, પરંતુ આંબાના વૃક્ષો જેવા જ અને આંબાના પર્ણો જેવા જ પર્ણોવાળા ઘેઘુર મોટાં વૃક્ષો જેવા આસોપાલવની આ વાત છે. સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાં અશોક વૃક્ષ અનેક વાર ગવાયું-વર્ણવાયું છે.

આવાં અશોક વૃક્ષની છાલ રસમાં કડવી, તીખી, પચવમાં હલકી, રુક્ષ, શીતળ અને પચી ગયા પછી તીખી બને છે. તે કફ અને પિત્તના રોગોનો નાશ કરનાર, દર્દશામક, વિષ સંહારક, સોજો, રક્તપિત્ત, દાહ વગેરેનું શમન કરે છે. તેનો ઉપયોગ રક્તપ્રદર અથવા લોહીવા, શ્વેતપ્રદર, માસિક વખતનો દુખાવો, ગર્ભાશયનો સોજો, શિથિલતા, ચાંદી, સ્ત્રીબીજ ગ્રંથિનો સોજો વગેરેમાં કરવામાં આવે છે.

આ અશોક મૂત્રજનન અને પ્રવર્તક હોવાથી પથરીના રોગોમાં પણ તેનો વિધિવત્ ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ અનેક યુવતીઓ માસિક વખતના દુખાવાથી પીડાતી હોય છે. માસિકસ્રાવ વખતે તેને પેડુમાં અસહ્ય દુખાવો થતો હોય છે. એ વખતે શીરઃશૂળ, કટીશૂળ, ઊબકા, ઊલટીઓ પણ થાય છે. આવી સ્ત્રીઓ ત્રણ-ચાર મહિના અશોકારિષ્ટનો ઉપયોગ કરે તો ઉત્તમ પરિણામ મળે છે. અશોકારિષ્ટ વૈદ્યોનું માનીતું ઔષધ છે જ, પરંતુ હવે તો કેટલાક આધુનિક કન્સલ્ટન્ટો પણ દર્દીઓને લખી આપે છે. આ અશોકારિષ્ટ બનાવવાની રીત આ બધું લેખમાં લખી શકાય તેમ નથી, પરંતુ અશોકારિષ્ટ સારી ફાર્મસીનો લાવીને વાપરવો.

અશોકારિષ્ટનો મુખ્ય પ્રભાવ ગર્ભાશયની ઉપર થાય છે. ગર્ભાશયના દોષો દૂર કરી તે ગર્ભાશયને બળ આપે છે. તેના ઉપયોગથી ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે. એટલે જ વૈદ્યો અશોકારિષ્ટનો ઉપયોગ આર્તવ સંબંધિત વિભિન્ન સ્ત્રી રોગોમાં કરાવે છે. જે સ્ત્રીઓને માસિક વખતે રક્તસ્રાવ થતો હોય અને તે સાથે કબજિયાત રહેતી હોય તેને વિભિન્ન કારણોથી સફેદ પાણી પડતું હોય ત્યારે તેના મૂળભૂત કારમોને દૂર કરતાં ઔષધો સાથે અશોકારિષ્ટનું સેવન ઉત્તમ પરિણામ આપે છે.

આ અશોકારિષ્ટ વિભિન્ન રોગોમાં મધ્યમ કદના અડધાથી એક કપ જેટલો એમાં એટલું જ પાણી ઉમેરી સવારે, બપોરે અને રાત્રેઔ પીવો. આહાર પચવામાં સુપાચ્ય-લઘુ પ્રયોજવો,છાશ, ચણાની ચીજો, મેંદાની ચીજો, ઠંડા-વાસી અને રૂક્ષ આહાર દ્રવ્યો લેવા નહીં. મગનું પાણી, ખાદ્યફળોનો રસ, દહીં, દાળભાત, ખીચડી અને પચવામાં લઘુ, વાયડા ન હોય એવા શાક પ્રયોજવા. આ પ્રમાણે કાળજીપૂર્વક ઉપચાર કરવામાં આવે તો કષ્ટાર્તવ માંથી છુટકારો મેળવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.