અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાની નવી તરકીબ (જૂઓ વિડીયો)
સરખેજમાંથી ૧ કરોડનું ડ્રગ્સ ઝડપાયું-જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો.
કારના ટાયરમાં માદકદ્રવ્યોનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો
(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી ડ્રગ્સ સહિત નશાકારક વસ્તુઓ પકડવાનો સીલસિલો ચાલુ છે, બુટલેડરો કે ડ્રગ્સના માફિયાઓ ડ્રગ્સનો જથ્થો ઘૂંસાડવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. તાજેતરમાં શહેરના વટવા વિસ્તારમાં ઓડીસાથી ટ્રકમાં લવાયેલો ગાંજાનો ૨૦૦ કિલો જથ્થો પકડાયો હતો.
ત્યારબાદ આજે શહેરના સરખેજ વિસ્તારમાંથી એક કરોડની કિંમતનો એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આશ્વર્યની બાબત તો એ છે, કે કારના ટાયરમાં ડ્રગ્સના પેકેટ છૂપાવવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કારનું ટાયર ખોલીને ટાયરમાંથી ટ્યુબ કાઢીને ટાયરમાં હાથ નાંખતાં ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતા. ડ્રગ્સ ઘૂંસાડવાની આ નવી તરકીબથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સતત અગ્રેસર ગુજરાત !!
ગુજરાત પોલીસની સતર્કતાના પરિણામે આશરે 1 કરોડની કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ પકડવામાં આવ્યું.
આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવી રાખવાના સંકલ્પ સાથે કાર્યરત પોલીસ વિભાગની અભૂતપૂર્વ કામગીરી સરાહનીય છે. pic.twitter.com/VuYiw4P5VD
— Gujarat Police (@GujaratPolice) September 12, 2024
રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે. આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં ૧ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અમદાવાદમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે, અમદાવાદ ડ્રગ્સ પેડલરોનું મોટું નેટવર્ક પથરાયેલું છે.
દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ૧ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
સરખેજ વિસ્તારમાંથી ૯૮૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂ. ૯૮,૪૦,૦૦૦/- ના જથ્થા સાથે મારૂતિ ઈક્કો કાર સહિત કુલ રૂ.૧,૦૨,૬૮,૪૨૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/9NqcUWeWP1
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 12, 2024
ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો.
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ જાય. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો હતો.