સેવા સેતુના ૧૦માં તબક્કામાં કુલ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૯ તબ્બકામાં કુલ ૨.૮૯ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
સેવા સેતુના ૯ તબક્કામાં અરજી નિકાલનો દર ૯૯.૮૮ ટકા રહ્યો
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બર થી સેવા સેતુ કાર્યક્રમના ૧૦માં તબક્કાનો પ્રારંભ થશે. જે તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ ૦૩ કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં પણ મહાનગરપાલિકા દીઠ ૦૨ તથા નગરપાલિકા દીઠ ૦૨ કાર્યક્રમોનું આયોજન કરાશે.
સેવા સેતુના ૧૦માં તબક્કામાં વિશેષ એ રહેશે કે આ વખતે કુલ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળશે.
રાજ્યમાં છેલ્લા ૯ તબ્બકામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમની ફળશ્રુતિ વિશે મંત્રી શ્રી એ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૯ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કુલ ૨.૮૯ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મેળવ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ૨,૮૯,૯૮,૩૪૯ અરજીઓ મળી હતી, જે પૈકી ૨,૮૯,૬૫,૦૬૪ અરજીઓ એટલે કે, ૯૯.૮૮ ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે , તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.