Western Times News

Gujarati News

એક જ ગામનાં આઠ યુવકો મેશ્વો નદીમાં ડૂબી જતાં આખું ગામ હિબકે ચઢ્યું

દહેગામ નજીક વાસણા શોગઠી ગામે નદીમાં સર્જાયેલી કરૂણાંતિકા-દહેગામ નજીક મેશ્વો નદીમાં આઠ યુવકો ડૂબ્યાં

અમદાવાદ, સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથેસાથે ગણેશ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે જેમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દરેક જળાશયો પાસે ખાસ ટીમો તૈનાત હોય છે પરંતુ આજે રાજ્યમાં એક દુર્ઘટના સર્જાઈ છે. દહેગામના વાસણા શોગઠી ગામે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ ૧૦ જેટલા યુવાનો ડૂબ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રના અધિકારીઓ પહોંચી ગયા હતા અને તરવૈયાઓ દ્વારા શોધખોળ પણ શરૂ કરાઈ હતી. જેમાં આઠ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને બાકીનાની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરાશોકનું મોજું ફરી વળ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે યુવકો નાહવા પડયા હતા.

મૃતકોનાં નામ (તમામ એક જ ગામના)

  • વિજયસિંહ હાલુસિંહ સોલંકી (ઉં.વ. 30 વર્ષ)
  • રાજકુમાર બચુસિંહ ચૌહાણ (ઉં.વ. 28 વર્ષ)
  • મુન્નાભાઇ દિલીપસિંહ ચૌહાણ (ઉં.વ.. 23 વર્ષ)
  • પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉં.વ. 20 વર્ષ)
  • ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ (ઉં.વ. 19 વર્ષ)
  • ધર્મેન્દ્રસિંહ દલપાતસિંહ ચૌહાણ (ઉં.વ.. 18 વર્ષ)
  • યુવરાજસિંહ પ્રવીણસિંહ ચૌહાણ (ઉં.વ. 17 વર્ષ)
  • સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (ઉં.વ. 17 વર્ષ)

જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ગણપતિ વિસર્જન દરમિયા આ ઘટના ઘટી છે. મરનાર તમામ યુવકો એક જ ગામના રહેવાસ હોવાનું જાણવા મળી રહ્યું છે અને એક યુવક ડૂબવા લાગતા તેને બચાવવાના પ્રયાસ પણ અન્ય સાત યુવકો પણ ડૂબી ગયા હતા. છેલ્લા ૬ દિવસમાં રાજ્યમાં ડૂબી જવાથી કુલ ૧પ વ્યક્તિના મોત નિપજ્યા છે.

રાજ્યમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવની સાથે ગણેશ વિસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે ગુરૂવારે પાટણ પાસે ગણેશ વિસર્જન દરમિયાન ૪ યુવકો ડૂબી ગયા હતા અને આજે સતત બીજા દિવસે આવી જ કરૂણાંતિકા સર્જાઈ છે. મેશ્વો નદીમાં ચાલી રહેલી ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયા અચાનક જ યુવકો ડૂબવા લાગતા કિનારા ઉભેલા લોકોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી.

યુવકોના પરિવારજનોએ ભારે કલપાંત કર્યું હતું. યુવકોને બચાવવા માટે કેટલાક લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું પરંતુ ધસમસતા પ્રવાહમાં યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડયા હતા. નદીમાં ડૂબનાર યુવકોની વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે આઠ યુવકોના મૃતદેહો બહાર કઢાયા હતા.

એક પછી એક યુવકનો મૃતદેહો નદી કિનારે લાવવામાં આવ્યા ત્યારે ઉપસ્થિત તેમના પરિવારજનોએ લોકઅકલ કરી દીધી હતી. ઘટનાસ્થળ ઉપર ફાયરબ્રિગેડ તંત્ર એ તરવૈયાઓની ટીમે નદીમાં યુવકોને શોધવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.

પાટણમાં બુધવારે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સરસવતી બેરેજમાં ગણેશ વિસર્જન કરવા આવેલા કેટલાક યુવકો ડૂબ્યા હતા. જેમાં ચાર યુવકોના મૃતદેહો મળ્યા હતા. આ દરમિયામાં આજે દહેગામ પાસેના વાસણા શોગઠી ગામે યુવાનો ડૂબવાની ઘટના ઘટતા સરકારે તેની ગંભીર નોંધ લીધી છે. રાજ્યમાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓના જળસ્થળમાં વધારો થયો છે જેના કારણે કિનારોમાં વિસ્તારમાં ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે

પરંતુ ગણેશ વિસર્જનના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેના પરિણામે આવી દુર્ઘટના સર્જાવાની શક્યતા વધુ રહે છે. મહાનગરોમાં ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે પરંતુ ગ્રામ્ય અને નગરોમાં શ્રદ્ધાળુઓ જળાશયોમાં ગણેશ વિસર્જન કરી રહ્યા છે. આજની ઘટનામાં યુવકો ડૂબ્યા છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક આ અંગે સ્થાનિક અધિકારીઓના સંપર્ક સાધી સંપૂર્ણ વિગતો મેળવી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી શરૂ કરી છે. લાપતા યુવકોને શોધવા માટે એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી છે. હજુ મૃતકોની ઓળખવિધિ માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી બાજુ પાટણ ઉપરાંત નડિયાદમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

દરમિયાનમાં આજે દહેગામ પાસે બનેલા આ બનાવમાં યુવકોની શોધખોળ ચાલી રહી છે ત્યારે અન્ય સ્થળોએ પણ સાવચેતીના પગલાં ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન કિનારા વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવાની સૂચના હોય છે. તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં યુવકો નદીમાં દૂર સુધી જતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.