Western Times News

Gujarati News

SVPમાં દર્દીઓને રઝળતા મૂકી સ્ટાફ બર્થ ડે ઉજવણી માટે જતો રહ્યો

મહિલા કોર્પોરેટરે કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી

(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પૂરતી સગવડ અને સીનીયર તબીબોના આભાવે નાગરિકો ને ભારે હાલાકી થયા તેવી ફરિયાદો અવારનવાર થતી રહે છે.પરંતુ એસ.વી.પી.હોસ્પિટલમાં એક અલગ પ્રકારનો જ બનાવ બન્યો છે.જેમાં જમાલપુર ના મહિલા કોર્પોરેટર અને અન્ય દર્દીઓને વેઇટિંગ માં બેસાડી તમામ સ્ટાફ એક તબીબની બર્થ ડે ની ઉજવણીમાં વ્યસ્ત હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આ સમગ્ર ઘટના અંગે જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અફસાના બાનું નસીરુદ્દીન ચિશ્તીએ વધુ વિગત આપતા જણાવ્યું હતુ કે, ૧૨ સપ્ટેમ્બરે તેમના પતિના ચેકઅપ માટે SVP  હોસ્પિટલ ખાતે ગયાં હતાં ત્યારે સોનોગ્રાફી માટે આશરે ૩૦ થી ૪૦ જેટલા દર્દીઓ બેઠા હતા.

ગ્રાઉન્ડ ફલોર ઉપર જે સોનોગ્રાફી મશીન છે તેનો ઉપયોગ ફકત ઈમરજન્સી મા દાખલ થતાં દર્દીઓ માટે થાય છે બીજા માળે બે સોનોગ્રાફી મશીન હોવા છતાં તેઓને એમ જણાવવામાં આવ્યું હતું કે બંને મશીન હાલ બંધ હાલતમાં છે અને સોનોગ્રાફી રૂમ ના સ્ટાફે હાલ સોનોગ્રાફી શક્ય નથી તેમ જણાવી ઉતાવળે બધાજ કર્મચારીઓ નિકળી ગયાં હતાં .

સોનોગ્રાફી માટે પ્રતીક્ષામાં બેઠેલા દર્દીઓને મૂકી અચાનક તમામ સ્ટાફ જતો રહ્યો હોવાથી તેમણે તપાસ કરતાં ખબર પડી કે કોઈ ડોકટર નો જન્મ દિવસ હોવાથી બધા લોકો તેની ઉજવણી કરવા ગયા છે તો ચાલુ ફરજ દરમ્યાન લોકો ને રઝળતા મૂકીને આવી ઉજવણી કરવી એ યોગ્ય ગણાય? આને કહેવાય કે પાડા ના વાંકે પખાલી ને ડામ. લોકો ની સારવાર ના ભોગે ડોકટર આવી રીતે હોસ્પિટલમા ઉજવણી કરે તે અત્યંત ખરાબ બાબત છે.

આ મુદ્દે તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી છે તેમજ આવા બેદરકાર લોકો ઉપર તાકિદે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.