૪.૭૨ કરોડના ખર્ચે ઉધના ખાતે નવનિર્મિત એસ.ટી. ડેપો-વર્કશોપનું લોકાર્પણ
Ø રાજ્યમાં આગામી દિવસોમાં નવી ૮૦ હાઈટેક વોલ્વો બસો શરૂ કરાશે
Ø પ્રતિદિન ૨૫ લાખ મુસાફરોને પરિવહન સેવા આપતી એસ.ટી. બસોમાં આગામી સમયમાં ૩૦ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરશે :- વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ઉધના ખાતે રૂ.૪.૭૨ કરોડના ખર્ચે સુરત એસ. ટી. વિભાગ દ્વારા નવનિર્મિત આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું વાહન વ્યવહાર, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં પ્રથમ વાર પ્રતિદિન ૨૫ લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે, ત્યારે આગામી સમયમાં ૩૦ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
સુરતમાં નવા ડેપો-વર્કશોપ સ્થાનિક બસો માટે ખૂબ ફાયદાકારક નીવડશે એમ જણાવી વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બે દિવસ અગાઉ નવી ૨૦ હાઈટેક વોલ્વો બસોની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સુરતને ૮, રાજકોટને ૮ અને વડોદરાને ૪ બસો ફાળવવામાં આવી છે. આગામી સમયમાં કુલ ૮૦ જેટલી નવી હાઈટેક વોલ્વો બસો શરૂ કરવામાં આવશે.
આ બસ સેવાનો લાભ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મેળવી શકાશે. મુસાફરોની સુરક્ષા માટે સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, તેનો આ હાઈટેક વોલ્વો બસમાં ઉપયોગ કરાયો છે, જેથી મુસાફરી આનંદદાયક અને અત્યંત સુરક્ષિત બની રહેશે.
સુવિધાયુક્ત નવિન વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, ઓઈલ રૂમ, સ્ટોર રૂમ, વોટર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, રેકર્ડ રૂમ, ડેપો મેનેજર કેબિન, એડમિન ઓફિસ, ક્લાસ ૧/૨ રેસ્ટ રૂમ, ડોરમેટરી અને શૌચાલય- હેન્ડીકેપ શૌચાલય જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ, અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, કલેક્ટર ડૉ.સૌરભ પારધી, એસ.ટી નિગમના સચિવ રવિ નિર્મલ, જનરલ મેનેજર એ.બી. જોશી, એસટીના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, વિભાગીય પરિવહન અધિક્ષકશ્રી એમ.વી.વાઢેર તથા સુરત ગ્રામ્ય ડેપો મેનેજરશ્રી એમ.વી.ચૌધરી શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, અગ્રણી કાળુભાઈ ભીમનાથ, સોમનાથ મરાઠે સહિત એસ.ટી. અધિકારી-કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.