દરેક સ્ત્રીને સાડીમાં સુંદરતા અનુભવાય: વિદ્યા બાલન
મુંબઈ, વિદ્યા બાલન બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ કરતાં વધારે પ્રમાણમાં સાડી પહેરેલી જોવા મળે છે, માત્ર ખાસ પ્રસંગે જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ તે સાડી પહેરેલી જોવા મળે છે, તેના કેઝ્યુઅલ સાડી લૂક પણ તેના ફૅન્સને ખૂબ પસંદ પડે છે.
તેણે સાબિત કર્યું છે કે, તમે કોઈ પણ સાઈઝના હોય, સાડી તમને હંમેશા શોભે જ છે. તાજેતરમાં જ મુંબઈમાં એક ઇવેન્ટમાં વિદ્યા બાલન ખાસ હાજર રહી હતી. જેમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફર, બાડી ઇમેજ અને પોતે જ પોતાનું ફાયનાન્સ મેનેજ કરવા અંગે વાત કરી હતી.
આ કાર્યક્રમમાં કર્ણાટકના હસ્તકારીગરોના ઉત્પાદનો પણ રજૂ કરાયા હતા. ત્યારે વિદ્યાએ આ પ્રસંગે પોતાના હેન્ડલૂમ સાડીઓ પ્રત્યેના પ્રેમ અંગે વાત કરી હતી.
વિદ્યાએ કહ્યું,“હું લગભગ દરરોજ કોઈ પણ કાર્યક્રમમાં સાડી પહેરવાનું પસંદ કરું છું. દરેક સ્ત્રીને સાડીમાં સુંદરતા અનુભવાય છે કારણકે એ તમને પોતાની હુંફમાં લપેટી લે છે. તમારે સાડીમાં સમાવા માટે સંઘર્ષ કરવો પડતો નથી. સાથે જ સાડી તમને તમે જેવા છો એવા જ રહેવા દે છે.
આટલા વર્ષાેમાં મારા શરીરમાં વધારો-ઘટાડો થતો રહ્યો છે, પરંતુ હું જ્યારે પણ સાડી પહેરું છું, હું મારી જાતને સેક્સી અને કોન્ફિડન્ટ અનુભવું છું.” પોતાની સફર વિશે વાત કરતાં વિદ્યાએ જણાવ્યું,“મને લોકો માટે બહુ જ ઉત્સુકતા હોય છે અને મને લાગે છે એટલે જ મારા માટે એક્ટિંગ કામ કરી ગઈ. મારો જન્મ જ એક્ટર બનવા માટે થયો છે, કેટલીક વખત મારા પાત્ર માટે હું કોણ છું અને હું કઈ રીતે વર્તું છું એ વાતને હું જતી કરી દઉં છું.
આ જ રીતે હું મારી દરેક ફિલ્મ માટે તૈયારી કરું છું, સિવાય કે ‘ભુલભુલૈયૈ’, કારણ કે એમાં હું ઘણી સહજ છું.” તેની આ વાત પર ઓડિયન્સ પણ ખડખડાટ હસી પડ્યું હતું.
વિદ્યાએ આગળ પોતાના પાત્રો વિશે કહ્યું,“તેમની લાગણીઓ, અકળામણ, સંવેદનાઓ અને ખઆમીઓ – તેનાથી જ વ્યક્તિ બને છે. મને લાગે છે કે આપણે બધાં આવા જ છીએ, છતાં બધાં એકબીજાથી ઘણા અલગ છીએ, જીવનની સુંદરતા એ જ છે.”
દરેક ક્ષણ અને સ્થિતિમાં પોતાની જાતને પ્રેમ કરવા અંગે વિદ્યાએ કહ્યું, “મેં તમિલ ફિલ્મોથી કામ કરવાની શરૂઆત કરેલી. થોડા દિવસો કામ કર્યા પછી મારા બદલે બીજા કોઈને એ રોલ આપી દેવાયો.
જ્યારે હું અને મારા પૅરેન્ટ્સ એ ફિલ્મના પ્રોડ્યુસરને ચેન્નઈમાં મળવા માટે ગયા તો તેણે મારા પિતાને કેટલીક ક્લિપ્સ બતાવી અને કહ્યું, “આ જુઓ, તમને આ જરા પણ હિરોઇન જેવી લાગે છે?” મને યાદ છે કે ત્યાર બાદ લગભગ છ મહિના સુધી મેં અરીસામાં મારી જાતને જોવાનું ટાળ્યું હતું.
તેનાથી મારો આત્મવિશ્વાસ બિલકુલ તૂટી ગયો હતો. પરંતુ આજે હું પાછા વળીને જોઉં છું તો સમજાય છે કે આ દરેક અનુભવે મારું ઘડતર કર્યું છે અને આજે હું જે છું તે એના કારણે જ છું. સિલ્ક સ્મિતાએ મને મારા બાડી સાથે કમ્ફર્ટેબલ બનાવી. મને સમજાયું કે તમે તમારી જાત માટે કેવું અનુભવો છો, તેના માટે તમારી સાઇઝને કોઈ લેવાદેવા નથી. મારું શરીર જ મનને જીવંત રાખે છે, તો મારે તેના આભારી હોવું જોઈએ.”SS1MS