Western Times News

Gujarati News

મોટર વ્હીકલ એક્ટના દંડમાં હવે રાજ્યો ફેરફાર નહીં કરી શકે, રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું કે કોઈ પણ રાજ્ય નવા મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરવામાં આવેલી દંડની નિયત સીમા ઓછી નહીં કરી શકે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને મોકલેલા પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે મોટર વાહન (સંશોધન) અધિનિયમ ૨૦૧૯ સંસદમાં પાસ થયેલો કાયદો છે. રાજ્ય સરકાર અધિનિયમમાં નિયત દંડની સીમાને ઘટાડાને લઈ કોઈ કાયદો પાસ ન કરી શકે અને ન તો કાર્યકારી આદેશ જાહેર કરી શકે. દંડને નિયમ સીમાથી ઓછો કરવા માટે તેમણે પોતાના સંબંધિત રાજ્યના કાયદા પર રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે.

પરિવહન મંત્રાલયે આ મુદ્દે કાયદા મંત્રાલય પાસે કાયદાકિય સલાહ માંગી હતી કારણ કે અનેક રાજ્યોએ કેટલાક મામલાઓમાં દંડની રકમને ઓછી કરી દીધી હતી. નવો મોટર વ્હીકલ એક્ટ ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી લાગુ છે. તેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પર જોગવાઈઓ કડક કરવામાં આવી છે. મંત્રાલયે પરામર્શમાં કહ્યું કે, કાયદા મંત્રાલયે ભારતના એટોર્ની જનરલ સાથે તેમનો મત લીધા બાદ સલાહ આપી છે. એટોર્ની જનરલનું માનવું છે કે મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ને મોટર વ્હીકલ (સંશોધન) એક્ટ ૨૦૧૯ના દ્વારા સંશોધિત કરવામાં આવ્યો છે. આ એક સંસદીય કાયદો છે અને રાજ્ય સરકારો તેમાં નિયમ દંડની સીમાને ઓછી કરવા માટે ત્યાં સધી કાયદો પસાર કે કાર્યકારી આદેશ જાહેર ન કરી શકે જ્યાં સુધી તેઓ સંબંધિત કાયદા પર રાષ્ટ્રપતિની સહમતી ન મેળવી લે.

સરકારે આ પહેલા કહ્યું હતું કે, ગુજરાત,કર્ણાટક,મણિપુર અને ઉત્તરાખંડે કેટલાક અપરાધોમાં દંડની રકમને ઓછી કરી દીધી હતી. રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા આ પરામર્શમાં આ કાયદાકીય મતને પણ રજૂ કરવામાં આવ્યો છે કે રાજ્યો આ કાયદાના અમલીકરણમાં અસફળ રહેવાની સ્થિતિમાં બંધારણની કલમ ૨૫૬ હેઠળ કેન્દ્ર સરકારને સંબંધિત કાર્ય માટે રાજ્યોને જરૂરી નિર્દેશ આપવાનો અધિકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.