Western Times News

Gujarati News

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રાજ્ય સરકારે 31.45 કરોડ રુપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સંવેદનશીલ સરકાર હંમેશા કિસાનોની આપત્તિના સમયે કિસાન હિતકારી નિર્ણયથી તેની પડખે ઉભ રહી છે. આ કિસાન હિતલક્ષી અભિગમમાં વધુ એક નિર્ણય કરીને તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે 31.45 કરોડ રુપિયાનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું કે 18મી ડિસેમ્બર-2019ના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં રાજસ્થાન અને પાકિસ્તાનની દિશામાંથી કરોડોની સંખ્યામાં થયેલા તીડના આક્રમણથી આ વિસ્તારના ધરતીપૂત્રોના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ત્વરિત માર્ગદર્શનમાં કૃષિ વિભાગે આ નુકસાનીનો સર્વ હાથ ધરીને નુકસાનીવાળા વિસ્તારના અંદાજે 11 હજારથી વધુ ખેડૂતો માટે આ પેકેજ જાહેર કરેલું છે.

મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં વળતર ચૂકવવામાં આવશે. મંત્રીએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના 11,000થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર 18,500 રુપિયા સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ 37,000 રુપિયા સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના 5000 રુપિયા સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ 37,000 રુપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે.

તેમણે સર્વેની વિગતો આપતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 280 ગામ અને પાટણ જિલ્લાના 2 તાલુકાના 5 એમ કુલ 285 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત 24472 હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં 750 હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ 25,222 હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત 17 હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.