Western Times News

Gujarati News

આ BJP કેન્દ્રીય મંત્રીએ આપેલા રાહુલ ગાંધી પરના નિવેદનથી હોબાળો

File

રાહુલ ગાંધી ભારતીય નથી અને તેમને ભારત પ્રત્યે પ્રેમ નથી -રાહુલ ગાંધીએ શીખો પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને દેશના નંબર-૧ આતંકવાદી ગણાવ્યા છે

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવનીત સિંહ બિટ્ટુએ ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને દેશના નંબર-૧ આતંકવાદી ગણાવ્યા છે. આ ઉપરાંત તેમણે દાવો પણ કર્યો હતો કે રાહુલ ગાંધી ભારતીય નથી અને તેમને ભારત પ્રત્યે કોઇ પ્રેમ પણ નથી. જો કે, તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો થઇ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું હતું કે, ‘મારો પડકાર છે કે, અહીં કોઇ શીખ હોય જે કોઇ પણ પાર્ટી સાથે જોડાયેલો ના હોય અને તે બોલી દે કે ભાગલપુરમાં કોઇ તેમને કડા કે પાઘડી પહેરવાથી કે ગુરુદ્વારા જવાથી રોકતા હોય, ફક્ત એક શીખ અહીં ઊભો થઇ આ વાત કહી દે તો હું હાલ ભાજપ છોડી દઇશ. નફરત ફેલાવવા તેઓ પહેલા મુસ્લિમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ તેનાથી લાભ ન થયો તો હવે બોર્ડર પર જે શીખ રહે છે, જે દેશની રક્ષા કરે છે તેમનામાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે ‘રાહુલ ગાંધી વોન્ટેડની જેમ નિવેદન આપી રહ્યા છે. હવે બોમ્બ અને હથિયાર બનાવનારા અલગતાવાદીઓ રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે. આ જ લોકો નાગરિકોને મારવાના પ્રયાસો કરે છે, બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપે છે. તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા છે. રાહુલ ગાંધી દેશના નંબર-૧ આતંકવાદી છે અને તેમને પકડવા માટે સૌથી મોટું ઇનામ હોવું જોઇએ.’

રવનીત બિટ્ટુએ ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા મતે રાહુલ ગાંધી સૌથી પહેલા તો ભારતીય જ નથી. તેમણે વધુ સમય ભારત બહાર પસાર કર્યો છે. તેમના મિત્રો અને પરિજનો ત્યાં છે. મારા મતે તેમને દેશથી પ્રેમ જ નથી. લાંબા સમયથી રાજકારણમાં રહ્યાં હોવા છતાં પણ તેમને મજૂરની પીડા ખબર નથી. અડધું જીવન પસાર થઇ ગયું છે, હવે તેઓ વિપક્ષના નેતા બની ચૂક્યા છે અને માત્ર મજૂરો સાથે ફોટો પડાવવામાં મશગૂલ રહે છે, જેથી મજૂરોની મજાક બની જાય છે.’

નોંધનીય છે કે, રવનીત બિટ્ટુ રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો અંગે આપેલા નિવેદનથી નારાજ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ભારતમાં રાજકારણ માટે નહીં, પરંતુ એ વાત પર લડાઇ થઇ રહી છે કે શું એક શીખને ભારતમાં પાઘડી કે કડા પહેરવાનો અધિકાર છે કે નહીં. શું એક શીખ ગુરુદ્વારા જઇ શકે છે કે નહીં?’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.