Western Times News

Gujarati News

પત્નીના દાગીના વેચીને પૂરની સ્થિતિ સામે લડવા બોટ ખરીદી

File

વડોદરાના લોકો તંત્ર સામે લાચાર બન્યા છે ત્યારે પૂરની સ્થિતિ સામે લડવા નાગરિકે પોતાની બોટ વસાવી 

વડોદરા, સ્થાયી સમિતિના અધયક્ષ શીતલ મિસ્ત્રીએ પૂરથી બચવા તરાપા, દોરડા અને બોટ લેવાની લોકોને સલાહ આપી હતી. શીતલ મિસ્ત્રીની સલાહ વડોદરાવાસીએ રોષ સાથે માની છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ સામ્રાજ્ય ટાઉનશિપમાં રહેતા રહીશે સ્થાયી સમિતિના અધ્યક્ષની સલાહ માની બોટ વસાવી છે. ચિરાગ બ્રહભટ્ટ નામના શખ્સે પત્નીના દાગીના ગીરવે મૂકી બોટ ખરીદી હોવાનો દાવો કર્યો છે.

વિશ્વામિત્રી નદીમાં આવેલ પુરમાં ચિરાગ બ્રહભટ્ટના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી તેમને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મારું ઘર બિલકુલ વિશ્વામિત્રી નદીને અડીને છે. હું સામ્રાજ્ય-૧માં રહું છું. વારંવાર આવા પૂર આવતાં હોય છે એટલે મને પણ થયું કે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર, એક બોટ ખરીદી લેવી જોઇએ. આથી મારે બોટ લેવાની નોબત આવી છે.

વડોદરામાં પૂરના પાણી ઓસરીને ૧૫ દિવસ થયા હોવા છતાં કોમ્પલેક્ષના બેઝમેન્ટમાથી પાણી નીકળી રહ્યા નથી. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહેલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. મોટર અને પાઇપ લગાવી બેઝમેન્ટમાંથી સતત પાણી કાઢવામાં આવી રહ્યું છે.

૧૫ દિવસથી પાણી કાઢવાની કામગીરી કરાઈ રહી છે છતાં હજી સુધી પાણીનો નિકાલ નથી થયો. એસટી ડેપોના બેઝમેન્ટમાં પણ પૂરના પાણી ભરાયેલા છે. દિવસે પાણી ખાલી કરાય છે, રાત્રે આપોઆપ પાણી આવી જાય છે. ભૂગર્ભ જળસ્તર વધ્યું હોવાથી પાણી જમીનમાંથી આવતું હોવાનું અનુમાન છે.

વડોદરામાં દર પાંચ વર્ષે આવતા પુરના કારણે લોકોને કમરતોડ ફટકો પડે છે અને વેપારીઓની આખી જિંદગીની મૂડી પાણીમાં વહી જાય છે આ વખતે લોકોમાં ભારે આક્રોશ પણ હતો, જોકે આ આક્રોશ ને ઠાળવા સરકારે વડોદરા માટે ખાસ પેકેજની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.