૧૦ ટ્રેડ યુનિયનોની આજે હડતાળ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓની સામે ૧૦ ટ્રેડ યુનિયનો તરફથી બુધવારના દિવસે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિઓ સામેના વિરોધમાં હડતાળમાં કેટલાક બેંક યુનિયન પણ સામેલ થઇ રહ્યા છે જેથી બેંકિંગ કામકાજ ઉપર પણ અસર થશે. દેશવ્યાપી હડતાળમાં ભાગ લેનાર અનેક સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે, ૬૦ સ્ટુડન્ટ યુનિયનો પણ સામેલ થશે.
બેંકો બંધ રહેવાથી એટીએમમાં રોકડ કટોકટી ઉભી થઇ શકે છે. ૯મી જાન્યુઆરીના દિવસે પણ આની અસર થઇ શકે છે. બેંક ઓનલાઈન બેંકિંગની સુવિધા ઉપર પણ આની કોઇ અસર રહેશે. હડતાળને લઇને એસબીઆઈનું કહેવું છે કે, કામકાજ ઉપર આંશિક અસર થશે. બેંક કર્મચારીઓના પાંચ સંગઠનોએ પણ હડતાળની જાહેરાત કરી છે.
એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવનાર છે. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવ્યા છે. હડતાળમાં ૨૦ કરોડ લોકો જાડાય તેવી શક્યતા છે. ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થઇ રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરો પણ આ હડતાળને ટેકો આપી ચુક્યા છે. દેશભરમાં આવા જ દેખાવ કરવામાં આવનાર છે. સીટીયુ દ્વારા એક પક્ષીય શ્રમ સુધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.