Western Times News

Gujarati News

અમેરિકામાં મજબુત ભારત વિરોધી લોબી પણ છે જે રાહુલ ગાંધીની આ યાત્રાનો ઉપયોગ પોતાના એજન્ડાને ફેલાવવા કરે છે

રાહુલ ગાંધીની સમસ્યા શું છે?

ગુજરાતીમાં બે કહેવત છે બોલે તેના બોર વેચાય અને બીજી છે ન બોલ્યામાં નવ ગુણ… આ બંને એક બીજા કરતા વિરોધાભાસી હોવા છતાં પણ બંને વચ્ચે સંદેશ એ છે કે કયારે શું અને કોની સામે બોલવું તે મહત્વનું છે અને તમે જો પારખી ન શકો તો મુશ્કેલીમાં મુકાઈ જાવ છો.

પછી પહેલી કહેવતને અનુસરો કે બીજી બંનેમાં તમારી પોતાની ક્ષમતા જ મહત્વની છે અને કદાચ રાહુલ ગાંધી આ જ ‘મીસ’ કરી રહ્યા છે. વધુ એક વિદેશ પ્રવાસ અને વધુ અનેક વિવાદ અને તે પણ હવે જયારે રાહુલ દેશમાં બંધારણીય ગણી શકાય તેવા પદ પર છે તે સમયે તેઓએ બોલવામાં સૌથી વધુ સાવચેતી રાખવી જોઈએ. There is also a strong anti-India lobby in America which is using Rahul Gandhi’s visit to spread its agenda.

સાચુ કહેતા હોય તો પણ શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ તેમાં કોઈ ખોટો અર્થ આવી શકે નહી પરંતુ આજે જયારે તેઓ ભારત પરત ફરશે ત્યારે કદાચ અનેક વિવાદ હવે ઘરઆંગણે તેની રાહ જોતા હશે. અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધીએ કમ સે કમ આ વર્ષમાં જેટલી ચૂંટણી યોજાનાર છે તેટલુ ભાથુ ભાજપને આપી દીધું છે અને પછી તે કેટલો કારગર નીવડે છે તે અલગ વાત છે પણ લોકસભા ચૂંટણીમાં જે રીતે વિપક્ષ મજબુત થયો તે ફકત સંખ્યા નહીં.

પરંતુ વ્યુહોની દ્રષ્ટિએ પણ મજબુત બનવું જોઈએ જયારે રાહુલ ગાંધી પોતાના વિપક્ષના નેતા તરીકે પ્રોજેકટ કરતા હોય તો તેઓએ એવા કોઈ પણ મુદ્દાઓને વિવાદ બનવા ન દેવા જોઈએ કે ભવિષ્યમાં તેમની કારકીર્દીમાં પ્રશ્ન ઉઠી શકે. ખાસ કરીને ભાજપ સામે મુકાબલો છે કે જે પક્ષને પોતાના માટે નિયમો નથી કે નૈતિકતા બધી આઉટસોર્સ કરીને વિપક્ષને જ લાગુ કરી છે તે સમયે રાહુલે ફરી વખત એ પ્રદર્શિત કર્યુ છે કે તે હજુ એ કક્ષાએ પહોંચ્યા નથીજયા નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે.

એવું નથી કે વિપક્ષના નેતાઓ વિદેશમાં જાય તો ભારત વિરૂધ્ધ બોલ્યા નથી ખુદ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧પમાં ભારતમાં જન્મ લેવો એક સમયે શરમજનક ગણાતુ હતુ તેવા વિધાનો કર્યા હતા. ભાજપ હવે એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે ભારત ર૦૧૪થી સ્વતંત્ર થયું છે (અહીં વાજપેયીના શબ્દો યાદ આવે છે કે

ભુતકાળમાં કંઈ થયું નથી તેવું કહેવું દેશના ખેડૂતો, કામદારો, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને એન્જીનીયરોનું અપમાન છે) પણ સફળ થયા પછી તમારા શબ્દોનો પ્રત્યાઘાત બદલાઈ જાય છે અને રાહુલ ગાંધીએ હજુ તો સીમા પાર કરવાની બાકી છે.

જો મુળ વાત ઉપર આવીએ તો અમેરિકામં જ રાહુલ ગાંધીના વિધાનોને શા માટે આટલુ મહત્વ મળે છે તે પાછળ પણ એક ટુલ કીટ છે, અમેરિકામાં મજબુત ભારત વિરોધી લોબી પણ છે જે રાહુલ ગાંધીની આ યાત્રાનો ઉપયોગ પોતાના એજન્ડાને ફેલાવવા માટે કરતા હોય તેવું દેખાય છે.

વિવિધ યુનિવર્સિટીઓ અને અન્ય મંચો પર વકતવ્ય આપવા કે પોતાના મંતવ્યો રજુ કરવા તેમાં કંઈ ખોટુ નથી પરંતુ તેમાં આ ભારત વિરોધી લોબીના હાથમાં રમાઈ ન જાય તે જોવું જોઈએ. સામ પિત્રોડા કે જે કદાચ હવે રાહુલ ગાંધીના મેન્ટર કરતા તેમના માટે એક મુસીબત બની ગયા હોય તેવુ જણાય છે.

લોકસભા ચૂંટણી સમયે પણ તેઓએ કરેલા વિધાનો કોંગ્રેસ માટે મુસીબત બની શકે તેમ હતા. અમેરિકાના જયોર્જટાઉન યુનિવર્સિટી કે જે ભારત વિરોધીઓનો અડ્ડો ધરાવે છે ત્યાં જઈને રાહુલ વધુ સારો સંદેશ આપી શકયા હોત એક વિપક્ષના નેતા તરીકે દેશની સરકારની ટીકા કરવાનો તેમનો અધિકાર સરહદ પાર કરતા જ મર્યાદિત બની જાય છે અને ભારતમાં કોઈ આપખુદશાહી નથી કે અહીં સરકારથી પીડીત વિદેશમાં જઈને સરકારની ટીકા કરે એ ચોકકસ છે કે દેશના મીડિયામાં રાહુલ ગાંધી માટે કેટલી જગ્યા છે તે પ્રશ્ર છે ફકત રાહુલ જ નહી વિપક્ષ માટે પણ આ લાગુ પડે છે.

પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં એક વિશાળ એવો વર્ગ ઉભો થઈ ગયો છે કે ચોકકસ એજન્ડાને જ આગળ વધારે છે પણ તેનો વિકલ્પ વિદેશી મીડિયા કે વિદેશી મંચ હોય શકે નહીં રાહુલે જો તેની લડાઈ હોય તો દેશમાં જ લડવાની છે. વિદેશી મંચ ઉપર તો તેમને ભારત વિરોધી તત્વોનો જ સાથ મળશે અને તેઓને રાહુલ નહી ભારતના વિરોધ વધુ મહત્વનો છે.

શબ્દોની પસંદગીએ રાહુલ ગાંધીની સૌથી નબળાઈ છે તેના સલાહકારો માટે પણ આ કહેવું જોઈએ. ભલે તેઓ નરેન્દ્ર મોદી જેવા સારા ઓરેટર નથી કે નથી તેનું વાચન કે જે તેમને વધુ સમૃધ્ધ શબ્દોનો સમુહ આપે છતાં પણ તેઓ જે ભાષા વાપરે છે તે કદાચ સામાન્ય રાષ્ટ્રીય કક્ષાના નેતા પણ ઉપયોગ ન કરે ખોટા શબ્દો પસંદ કરીને તેઓ પોતાના માટે

મુસીબત ઉભી કરે છે પછી ભલે તેઓ સાચા હોય અને વાસ્તવિકતા એ છે કે તેના મુદ્દાઓ સાચા પણ છે પણ તે દબાઈ જાય છે અને ખોટા મુદ્દાઓ ઉછળે છે જે ભાજપની સૌથી મોટી ખાસીયત છે.

રાહુલે જે વિવાદ સર્જયા તેમાં અનામતને સૌથી વધુ ચગાવાઈ છે આપણા દેશમાં અનામત એ પવિત્ર ગાય જેવી છે જેના વિશે બોલી જ શકાય નહી કે તેને અડી શકાય નહીં સિવાય કે અનામત અંગે તેના લાભાર્થીઓને આંખે પાટા બાંધીને સમજાવાવ માંગતા હો અને આપણા નેતાઓની તે બ્રેડ બટર છે અને તેથી જ રાહુલને અનામત વિરોધી ચિતરી દેવાય છે જેનો તેને ખુલાસો કરવો પડી રહ્યો છે.(એજન્સી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.