Western Times News

Gujarati News

ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર અને જીલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલૂસ કાઢવામાં આવ્યું છે.જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઈસ્લામી માસની ૧૨ મી રબી ઉલ અવ્વલના દિવસે મોહમ્મદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લામાં આવેલા વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.ઈદે મિલાદુન્નબીના દિવસે મોટા મોટા જુલૂસ પણ નીકળતા હોય છે.

ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શેરી, મહોલ્લા, સોસાયટીઓ,મસ્જિદો,દરગાહો રંગબેરંગી તોરણો અને લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે.ગામોમાં નિયાઝ સહિત ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો કરાયા હતા.જેમાં ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકોએ એકત્ર થઈ મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી અને જુલૂસ કમિટીના પ્રમુખના માર્ગદર્શન હેઠળ નીકળ્યું હતું.

જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઈદે મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવી હતી.જોકે જુલૂસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ રીતે જીલ્લામાં અનેક સ્થળોએ જુલૂસ નીકળ્યા હતા.

અંકલેશ્વરમાં પણ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા.નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જીયારત કરાવાય હતી.

ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ અત્રેના કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પઢતા પઢતા નીકળ્યું હતું, ‘સરકાર કી આમદ મરહબા’ ‘દિલદાર કી આમદ મરહબા’ ના ગગનભેદી નારાઓ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું.જે શહેરમાં ધામધૂમથી લીમડીચોક,

શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.) ની દરગાહ ખાતે પ્હોચ્યું હતું, જ્યાં સૈયેદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના ઝિયારત (દર્શન) કરાયા હતા.શબનમ કોમ્પ્લેક્ષ, દુધીયાપીર દરગાહ, વહોરવાડ પાસે, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, કાજી ફળિયા, વિગેરે જુલુસના રૂટ પરના સ્થળો પર અલગ અલગ કમિટીઓ દ્વારા નિયાઝના કાર્યક્રમો કરાયા હતા.

ઝધડિયા નગરમાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસના આયોજન કરવામાં આવ્યુ હતુ.ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં પયગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઉપરાંત નજરો નિયાઝના કાર્યક્રમ યોજાયા હતા.જ્યારે મસ્જિદોમાં મૌલ?ાનાઓ દ્વારા પયગંબર સાહેબના પવિત્ર અને સાદગીભર્યા જીવન અંગેના પ્રવચન કરવામાં આવ્યા હતા.ઈદે મિલાદના પર્વના ?અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ અને અખંડ ભાઈચારાની દુઆઓ માંગવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.