આ મેળામાં ‘ઘી’ વાળી સુખડીનો પ્રસાદ દિવા પર ફેરવીને પશુપાલકો પશુઓને ખવડાવે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Shahera.jpg)
શહેરાના નાંદરવા ગામ ખાતે ઝાલા બાપજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ માં એક એવો મેળો જે ભાદરવા માસના બીજા રવિવારે ભરાતો હોય છે કે જ્યાં પશુના આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે ભરાતો હોય છે, શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે ઝાલા બાપજી ના મેળામાં જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો ઝાલા બાપાજીના દર્શન કરી પોતાના પશુઓ તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે માટે બાધા લેતા હોય છે.
મેળામાં આવેલા લોકો ઘરવખરી સહિતની અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ ઝાલા બાપજીના મંદિરે દરવર્ષે પરંપરાગત રીતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો મેળો ભરાતો હોય છે,જેમાં પશુપાલકો પોતાના પશુઓને બાધા આખડી લેવા માટે આવતા હોય છે,
ત્યારે આ વર્ષે પણ ભાદરવા માસના બીજા રવિવારે નાંદરવા ગામના ઝાલા બાપજીના મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઝાલા બાપજીનો મેળો ભરાયો હતો,આ મેળામાં નાંદરવા ગામ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો ઉમટી પડ્યા હતા,જેમાં લોકો મોજમાણવાની સાથે અનેક ચીજવસ્તુઓની ખરીદી માટે કરતા નજરે પડ્યા હતા,
તો યોજાયેલ ઝાલા બાપજીના મેળામાં આવેલા પશુપાલકો પોતાના દુધાળા પશુઓના દીર્ઘ આયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલા બાપજીની પૂજા અર્ચના કરીને પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બાધા આખડી લીધી હતી. આ મેળામાં વિવિધ પ્રકારના માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા,
તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે અહીં પૂજારી દ્વારા આપવામાં આવેલો ‘ઘી’ વાળી સુખડીનો પ્રસાદ દિવા પર ફેરવીને પશુપાલકો પોતાના પશુઓને ખવડાવતા હોય છે,જેનાથી તેમના પશુઓનું આખું વર્ષ સુખમય,દીર્ઘાયુ બની રહેતું હોવાની સાથે લોકોની અનેક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે.