Western Times News

Gujarati News

સરખેજમાંથી એક વર્ષની માસુમ બાળકીનું અપહરણ

વહેલી સવારે અપહરણકાર યુવતિ બાળકી સાથે પાલડી ખાતેથી મળી  આવતા રાહત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરખેજ વિસ્તારમાં એક વર્ષની માસુમ બાળકીનું અપહરણ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જા કે સદ્દનસીબે ર૪ કલાક બાદ અપહૃત બાળકી સાથે અપહરણકાર યુવતિ પાલડી નજીકથી ઝડપાઈ જતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.  પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી માહીતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સરખેજ વિસ્તારમાં મકરબા ખાતે સંગમ સિનેમાની પાછળના ભાગે આવેલી નહેરૂનગર ખાતે હસમુખભાઈ રણછોડભાઈ વાદી તેમની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહે છે. અને હસમુખભાઈ કોઈ ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવે છે.

ગત મંગળવારે હસમુખભાઈ પોતાની નોકરી પર ગયા હતા. અને તેમના પત્ની અને બાળકી ઘરે હતા. તેમની પાડોશમાં જ રહેતી નસરીન ફિરોજભાઈ નામની યુવતિ રોજ હસમુખભાઈની એક વર્ષની બાળકીને રમાડવા માટે આવતી હતી. ગત મંગળવારે બપોરના બાર વાગ્યાના સુમારે પણ નસરીન પાયલને રમાડવા માટે હસમુખભાઈના ઘરે આવી હતી. નસરીન બાળકીને રૂમમાં રમાડતી હતી ત્યારે હસમુખભાઈની પત્ની નહાવા માટે ગયા હતા.

જ્યારે તે નહાઈને બહાર આવ્યા ત્યારે રૂમમાં નસરીન કે પાયલ એકેય હાજર નહોતા. પ્રથમ તો તેમને એવું લાગ્યુ કે બાજુમાં હશે. પણ આજુબાજુમાં ક્યાંય નસરીન કે તેમની પુત્રી પાયલનો પત્તો ન મળતા તેને ફોન કરીને હસમુખભાઈને આ બાળકીન જાણ કરી હતી.
હસમુખભાઈએ તરત જ ઘરે પહોંચી આજુબાજુમાં તેમજ સગાવહાલા પણ પાયલની શોધખોળ કરી હતી. અને નસરીનના પતિની પણ પૂછપરછ કરતા તેને પણ આ બાળકીની જાણ ન હોવાનું જણાવતા હસમુખભાઈ અને તેની પત્ની ઘેરી ચિંતામાં પડીગયા હતા.

છેવટે ગઈરાત્રે આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસ ઈન્સપેક્ટર ગોહિલે ગુનો દાખલ કરી બાળકીની સઘન શોધખોળ હાથ ધરી હતી. રાતભરની શોધખોળ બાદ વહેલી સવારે પાલડી ચાર રસ્તા પાસેથી અપહરણકાર યુવતિ નસરીન બાળકી પાયલ સાથે મળી આવી હતી. પોલીસ નસરીનની સઘન પૂછપરછ શરૂ કરી છે. નસરીન, નિઃસંતાન હોઈ તેણે આ કૃત્ય આચર્યુ હોવાનું જાણવા મળે છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.