Western Times News

Gujarati News

લાયસન્સ વિના વાહન લઈને આવતા વિદ્યાર્થીઓનું સ્કુલોમાં ચેકીંગ થશે

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા મોટર વ્હીકલ એક્ટ,૧૯૮૮ અને તેના સુધારાઓના અમલ માટે  જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સૂચના અપાઇ

દિન-પ્રતિદિન સગીર સંતાનો દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ચલાવવાના અને અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને ધ્યાને લઈને પરિવારની સાથે સાથે શાળાઓ પણ પોતે જવાબદારી લઈને વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરે તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સૂચના આપવામાં આવી છે.

મોટર વ્હીકલ એક્ટ અને વખતોવખત અમલમાં આવતા સુધારાઓથી શાળાઓના તમામ સ્ટાફને વાકેફ કરવામાં આવે અને આ બાબતોનું પાલન ચુસ્તતાપૂર્વક થાય એ હેતુથી વિવિધ સૂચનો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓને આપવામાં આવ્યા છે.

મોટર વ્હીકલ એક્ટ અને તેમાં થયેલા સુધારાઓ અનુસાર, ૧૬ વર્ષની વય પૂર્ણ કરેલ ન હોય તેવી કોઇપણ વ્યક્તિ કોઇપણ પ્રકારનું લાઇસન્સ મળવાપાત્ર નથી તથા ૧૬ વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિ ૧૮ વર્ષ પૂર્ણ કરે તે પહેલા ગીયર વિનાના દ્વિચક્રી વાહનો માટે લાઇસન્સ મેળવવા અરજી કરી શકે અને નિયમાનુસાર પ્રક્રિયા પૂર્ણ કરીને લાઇસન્સ મેળવ્યા બાદ જ વાહન ચલાવી શકે છે. આ ઉપરાંત, પાત્રતા ન ધરાવનાર સગીરને વાહન આપનાર પેરેન્ટ્સ પણ ગુનેગાર ગણાય છે.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લેતા ધો. ૯થી ૧૨માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓમાં જૂજ સંખ્યામાં જ વિદ્યાર્થીઓ લાઇસન્સ માટે પાત્રતા ધરાવતા હોઈ શકે. આથી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ બાબતે જિલ્લાની શાળાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લાવવા પૂરતા પ્રમાણમાં સઘન પ્રયત્નો કરવા જણાવાયું છે.

સાથે જ,  જિલ્લાની શાળાઓમાં કોઇપણ વિદ્યાર્થી અનઅધિકૃત રીતે વાહન લઇને ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પણ શાળાઓને જણાવાયું છે. વધુમાં, આગામી સપ્તાહમાં જિલ્લાની કોઇ પણ શાળાઓની RTO વિભાગના સક્ષમ અધિકારીશ્રીઓ સાથે સંકલન કરીને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે

અને આ તપાસ દરમિયાન કોઇ પણ વિધાર્થી મોટર વ્હિકલ એકટની જોગવાઇઓ વિરુદ્ધ અનઅધિકૃત રીતે શાળા કક્ષાએ વાહન લઇને આવેલ હશે તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામા આવશે, એમ જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.