Western Times News

Gujarati News

ભારત-અમેરિકાના સંબંધોથી ચીન અને રશિયા ચિંતિત: અમેરિકન ડિપ્લોમેટ

વાશિગ્ટન, ચીન અને રશિયા ભારત-અમેરિકાના મજબૂત બનતા સંબંધોથી ચિંતિત છે. બંને દેશ સર્વસમાવેશિતા, શાંતિ અને વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં જુદાજુદા વર્ગાેના મતનું સન્માન કરતા હોવાથી ચીન અને રશિયા ચિંતામાં છે એવી ટિપ્પણી અમેરિકાના ટોચના રાજદ્વારીએ સોમવારે કરી હતી.

પ્રતિષ્ઠિત હડસન ઇન્સ્ટિટ્યુટમાં ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ અને રિસોર્સિસ રિચર્ડ વર્માએ જણાવ્યું હતું કે, “તમને શું લાગે છે કે ચીન અને રશિયા આ (ભારત-અમેરિકાની) ભાગીદારીથી આટલા ચિંતિત કેમ છે? કારણ કે અમે બાકીના વિશ્વને સર્વસમાવેશિતા, શાંતિ, વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ તેમજ કાયદાના પાલન અંગે શીખવીએ છીએ.

ભારત અને અમેરિકા સમાજના દરેક વ્યક્તિનો અવાજ સાંભળે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ અમેરિકાના ઘણા વિરોધીઓના અન્ય દેશ સાથેના સંબંધ કરતા ‘બહુ અલગ’ છે. પ્રેસિડેન્ટ જો બાઇડેને આ વિશેષતાને કારણે જ બંને દેશના સંબંધોને ‘વર્તમાન શતાબ્દીના સૌથી મહત્વના સંબંધ’ તરીકે ઓળખાવ્યો છે.

રિચર્ડ વર્માએ ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે, “લગભગ ૨૦ વર્ષ પહેલાં હું એ સમયના સેનેટર બાઇડેન અને સ્ટાફ ડિરેક્ટર ટોની બ્લિન્કન સાથે સેનેટમાં ઊભો હતો ત્યારે બાઇડેને કહ્યું હતું કે, અમેરિકા અને ભારત ઘનિષ્ડ મિત્રો અને ભાગીદાર બનશે તો વિશ્વ સુરક્ષિત સ્થળ હશે.”

તેમણે કહ્યું હતું કે, “માત્ર આપણી પાસે મોટું લશ્કર છે કે બંને દેશ મોટા અર્થતંત્ર છે એટલે નહીં, પણ આપણે વિશ્વભરના લોકોના રોજિંદા જીવનને સ્પર્શતી સમસ્યા માટે દ્રઢતાથી ઊભા રહીએ છીએ એટલે ભારત-અમેરિકાનો સંબંધ મહત્વનો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.