સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચ વચ્ચે વિવાદ
(એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન (ડીડીએ)ને અવમાનના નોટિસ ફટકારવામાં આવતા સર્જાયેલા વિવાદની સુનાવણી હવે દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ કરશે.
આ વિવાદ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેન્ચ વચ્ચે સર્જાયો હતો. જૂન-જુલાઈ દરમિયાન જસ્ટિસ એ.એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે દિલ્હીના રિજ વિસ્તારમાં ૪૨૨ વૃક્ષો કાપવાના મામલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી હતી.
આ સાથે, બેન્ચે ટિપ્પણી કરી હતી કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવી છે. કોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ નિર્માણ માટે સધર્ન રિજના આરક્ષિત જંગલ વિસ્તારમાં ૪૨૨ વૃક્ષો કાપવાની મંજૂરી આપવા બદલ પણ સરકારની ઝાટકણી કાઢી હતી.
બેન્ચે ડીડીએના વાઇસ ચેરમેન સામે પણ કડક કાર્યવાહી કરી હતી. બીજી તરફ રસ્તો પહોળો કરવાના પ્રોજેક્ટ માટે રિજ વિસ્તારમાં ૧,૧૦૦ વૃક્ષો કથિત રીતે કાપવાના કેસમાં ડ્ઢડ્ઢછના વાઈસ ચેરમેન વિરુદ્ધ સુઓ મોટો થઈ હતી. જેને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમાન અવમાનના કેસની સુનાવણી પહેલાંથી જ ચાલી રહી હતી.
જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બીજી બેન્ચે ૨૪ જુલાઈના રોજ જસ્ટિસ ઓકાની બેન્ચ દ્વારા અવમાનનાની અરજીને ધ્યાનમાં લેતા નોટિસ જારી કરવા મુદ્દે ન્યાયિક યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચ સમાન કેસની સુનાવણી કરી રહી છે, ત્યારે આ બેન્ચ દ્વારા નિર્ણય સંભળાવવો કેટલી હદે યોગ્ય છે?
જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, જ્યારે એક બેન્ચ અવમાનનાની કાર્યવાહી સંબંધિત અરજીની સુનાવણી કરી રહી છે, ત્યારે શું બીજી બેન્ચે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ? જસ્ટિસ ગવઈની ન્યાયિક યોગ્યતાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં નવો વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદ વકરતાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કેસમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.