અંદાજે ૩૨.૫૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભાદરવી પૂનમે અંબાજી ખાતે મહામેળામાં ‘માં અંબા’ના કર્યા દર્શન
‘બોલ મારી અંબે, જય જય અંબે‘ના નાદથી અંબાજીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી
Ø મહામેળામાં અંદાજે રૂ. ૨.૬૬ કરોડથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી વધુ સોનાનું મળ્યું દાન
Ø માત્ર ૭ દિવસમાં એસ.ટી. બસે કુલ ૧૧,૪૫૫ ટ્રીપ કરી જેમાં ૫.૦૪ લાખથી વધુ માઈ ભક્તોએ કરી મુસાફરી
૫૧ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં ૧૭૦ વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમે મહામેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર સુધી યોજાયેલ આ મહામેળામાં અંદાજે ૩૨.૫૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો.
જ્યારે, અંદાજે ૬૧ હજારથી વધુ ભક્તોએ ઉડનખટોલાના માધ્યમથી ગબ્બરે ‘જ્યોત’ના દર્શન પણ કર્યા હતા. આ ઉપરાંત આ વર્ષે મેળામાં જગતજનની માં-અંબેના ચરણોમાં અંદાજે રૂ. ૨.૬૬ કરોડથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી વધુના સોનાનું દાન પણ માઈ-ભક્તોએ કર્યું છે.
ભાદરવી પૂનમે દૂર દૂરથી લોકો અહીંયા પગપાળા સંઘમાં અથવા વાહનોમાં ‘માં અંબે’ના દર્શન કરવા આવે છે. ત્યારે ‘બોલ મારી અંબે, જય જય અંબે‘ના નાદથી અંબાજીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. પદયાત્રીઓ અને લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ માર્ગોમાં સેવાભાવી નાગરિકો- સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં સુરક્ષા, ભોજન, મેડિકલ, શુદ્ધ પાણી, રેહવા માટે ડોમની સુવિધા તેમજ અંબાજીથી પરત વતન જતા પદયાત્રીઓ માટે વધારાની એસ.ટી. બસની વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
“વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ”
ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય સરકાર અને દાતાશ્રીઓના સહયોગથી વિશાળ ભોજન પંડાલ બનાવવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૫.૧૯ લાખથી વધુ યાત્રાળુઓએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. જ્યારે, પગપાળા આવતા યાત્રાળુઓને આરામ કરવા માટે ત્રણ વિશાળ ડોમ બનાવ્યા હતા, જે અંતર્ગત, જૂના કોલેજ ગ્રાઉન્ડમાં ૨૨,૫૫૬, કામાક્ષી ડોમમાં ૩૨,૫૨૦ તેમજ પાંચા ડોમમાં ૧૬,૮૭૭ માઈ ભક્તોની વિસામાની વ્યવસ્થા કરી હતી. આમ કુલ ૭૨ હજાર જેટલા ભક્તોએ આ સુવિધાનો લાભ લીધો હતો.
આ મહામેળા દરમિયાન અંદાજે ૨૦ લાખથી વધુ ભક્તોએ મોહનથાળ- ચીકીના પ્રસાદનો લાભ લીધો હતો. ઉપરાંત કોઈ પણ નાગરિકને ભાદરવી પૂનમના મેળા દરમિયાન અથવા તેના પછી તેમના વતન પરત જતા બસની અસુવિધા ના થાય તેવા ઉમદા આશયથી વધારાની એસ.ટી. બસો શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર ૭ દિવસમાં એસ.ટી. બસોની કુલ ૧૧,૪૫૫ ટ્રીપો દ્વારા ૫.૦૪ લાખથી વધુ માઈ ભક્તોને સલામત રીતે તેમના વતન પહોચાડ્યા હતા.
મહામેળામાં રાજ્યની નવી પહેલ: ‘આપણું ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત’
‘પ્લાસ્ટિક ફ્રી ગુજરાત‘ અને ‘પદયાત્રાને – સ્વચ્છ પદયાત્રા‘ બનાવવાના મંત્રને સાકાર કરવા, GPCB દ્વારા આ પદયાત્રા દરમિયાન ઉત્પન્ન થતો કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ, આ વર્ષે ઉદ્યોગ એસોસિયેશન દ્વારા પદયાત્રીઓને પ્લાસ્ટિકની પાંચ ખાલી બોટલ ઉપર એક સ્ટીલની બોટલ આપી પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની એક નવતર પહેલ કરવામાં આવી હતી. સાથે જ, રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા.૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.