પોલીસની આંખ સામે લક્ઝરી બસ શહેરમાં ઘૂસે છે અને ઓવરલોડેડ રિક્ષાઓ ફરે છે: ગુજરાત હાઈકોર્ટ
ગાંધીનગર, અમદાવાદ શહેરમાં બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગાે પર પાર્કિંગ ઉપરાંતની અસુવિધાઓ મુદ્દે હાઇકોર્ટે ફરી એકવાર તંત્રને એવી ટકોર કરી હતી કે,‘આજે પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે અને ઝીરો પ્રગતિ થઇ છે. તમારા ટ્રાફિક પોલીસની આંખની સામે જ લક્ઝરી બસો પરવાનગી વિના શહેરોમાં ઘૂસી રહી છે. રિક્ષાઓ ઓવરલોડેડ છે અને તેમ છતાંય પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી.
ખાનગી કાર ચાર રસ્તાઓ પર બેફામ રીતે પાર્કિંગ કરીને ઊભી રહે છે. સરકાર પણ આ પરિસ્થિતિ વિશે સભાન છે, તેમ છતાંય કંઇ કરતી નથી.’ જોકે આ મામલે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા નિવેદનો અને આપવામાં આવેલી બાહેંધરીને રેકર્ડ પર લેતા તમામ મુદ્દે દસ્તાવેજો રજૂ કરવા આદેશ કરી હાઇકોર્ટે કેસની સુનાવણી ૨૨મી ઓક્ટોબરે રાખી છે.
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સુનાવણીની શરૂઆતમાં ઉક્ત ટકોર કરી હતી અને કહ્યું હતું કે,‘ આ માત્ર અમદાવાદનો મુદ્દો નથી, સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ છે. જોકે અમદાવાદની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. આજે તમે ઇચ્છો તો આપણે સિવિલ ડ્રેસમાં જઇને સ્થળની તપાસ કરી લઇએ.
તમારા અધિકારીઓ પોતાની જાતને કાયદાથી ઉપર માને છે એવું લાગે છે.’ રાજ્ય સરકારની દલીલોને ધ્યાને લેતાં કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા રાજ્યમાં લેવામાં આવેલા તમામ પગલાં વિશે કોર્ટને જણાવવામાં આવ્યું છે. વધુ સારી સુવિધાઓ શહેરીજનોને આપવાની બાહેંધરી આપવામાં આવી છે. વર્તમાનમાં જે પરિસ્થિતિ ગ્રાઉન્ડ પર છે તેનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે કહ્યું છે કે તેઓ પરિસ્થિતિને સુધારી રહ્યા છે અને નવી ટેકનોલોજી વસાવી રહ્યા છે. નાગરિકોને ટ્રાફિક સેન્સ વગેરે વિશે વધુ જાગૃત કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે.
તેથી યોગ્ય દસ્તાવેજો સાથે કોર્ટ સમક્ષ તમામ હકીકતો રજૂ કરવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે શહેરમાં લક્ઝરીના ગેરકાયદે પ્રવેશ, માર્ગાે પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરવાના વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ સુનાવણી થઇ રહી હતી.
આ મામલે ગત સુનાવણીમાં હાઇકોર્ટે આરટીઓ અધિકારી, ગૃહવિભાગના અન્ડર સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના અધિકારીઓને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા.SS1MS