Western Times News

Gujarati News

વટવાના જર્જરિત આવાસ તોડવા સામે કોંગ્રેસે CBI તપાસની માંગણી કરી

સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ન હોવાથી તોડવામાં આવી રહ્યા છે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો માટે ઝૂંપડપટ્ટી હટાવવામાં આવે છે જેની સામે અન્ય વિસ્તારોમાં વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા આપવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સમયે નદીના પટમાં રહેતા લોકોને વટવા ખાતે મકાન ફાળવવામાં આવ્યા હતા.

પરંતુ અગમ્ય કારણોસર અમુક લોકોજ અહીં રહેવા ગયા હતા જયારે બાકીના આવાસ ખાલી રહ્યા હતા. સમયાંતરે આ બિલ્ડીંગ જર્જરિત થઈ જતા તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીં ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ વટવા રેલવેબ્રિજ પાસે 2010 ની સાલમાં પ્રોજેકટ અસરગ્રસ્ત લોકો માટે વટવા ખાતે આવાસ બનાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક બિલ્ડીંગની ગુણવત્તા નબળી હોવાથી તે ફાળવવામાં આવ્યા ન હતા, જયારે જે બિલ્ડીંગના બાંધકામ યોગ્ય હતા તેની ફાળવણી કરવામાં આવી હતી.

જે બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તે ખાલી હોવાથી કેટલાક અસામાજિક તત્વોએ તેનો ગેરલાભ લીધો હતા તેમજ સળિયા કાપીને લઈ જતા હોવાની ફરિયાદો પણ આવી હતી.

જેના કારણે આ બિલ્ડીંગ વધુ નબળા અને જર્જરિત થઈ ગયા હતા જેને ઝોન લેવલથી  તોડવામાં આવી રહયા છે. આ બિલ્ડીંગ માત્ર જર્જરિત થયા હોવાથી જ તૂટી રહયા છે. તેના સ્થાને ભવિષ્યમાં પ્રાથમિક સુવિધા ને લગતા પ્રોજેકટ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શાહેઝાદખાન પઠાણના જણાવ્યા મુજબ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2011માં ગરીબ આવાસ યોજના હેઠળ અંદાજે રૂપિયા 182 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગભગ 1000 જેટલા મકાનો જે ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં નહીં આવેલા તે આવાસો ને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ ગરીબ આવાસોના નામે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એકતરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝૂંપડપટ્ટી મુક્ત ભારત બનાવવાની પોકળ જાહેરાતો કરવામાં આવે છે  અને બીજી તરફ ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબ લોકોના હક  છીનવી રહી છે. આ સમગ્ર મામલે સીબીઆઇ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને કડક સજા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.