એરલાઇન્સોએ મિડલ ઈસ્ટ તરફ જતી ફ્લાઈટો કેન્સલ કરીઃ આ છે કારણ
(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ જતાં ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી વધી છે. આ દરમિયાન યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે મધ્યપૂર્વ તરફ જતી ફ્લાઈટો કેન્સલ કરવાની જાહેરાત કરી છે. મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને વિમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મુખ્ય એરલાઇન્સે તેમની સેવાઓ અટકાવી દીધી છે. ઘણી એરલાઇન્સે તેમની સેવાઓ અસ્થાયીરૂપે સસ્પેન્ડ પણ કરી છે. એવામાં મધ્યપૂર્વના દેશોની યાત્રાની યોજના બનાવી રહેલા મુસાફરોએ તેમના પ્લાનમાં મોટાપાયે ફેરફાર કરવા પડી શકે છે.
ઈઝરાયલનો લેબેનોન પર ભીષણ હુમલોઃ હિઝબુલ્લાહે યુદ્ધની જાહેરાત કરી
બૈરુત, ઈઝરાયલે લેબેનોનમાં પેજર વિસ્ફોટ કરાવતાં જ મીડલ ઈસ્ટ દેશોમાં ભારે તંગદિલી ફેલાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે મોડીરાત્રે ઈઝરાયલે લેબેનોન ઉપર ભીષણ એર સ્ટ્રાઈક કરી ૭૦થી વધુ હુમલા કરતાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે. તેના જવાબમાં હિઝબુલ્લાહે પણ યુદ્ધની જાહેરાત કરી દેતાં આજે ઈઝરાયલ પર રોકેટમારો કર્યાે હતો. બીજી બાજુ, અમેરિકાએ પણ મીડલ ઈસ્ટમાં રહેલા પોતાના લશ્કરને એલર્ટ કરી દીધું છે. આગામી ૨૪ કલાક મીડલ ઈસ્ટ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
ઇઝરાયલે ગઈરાત્રે દક્ષિણ લેબેનાનમાં ડઝનબંધ હુમલાઓ કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ લેબેનાન પર ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો હતો. કેટલાક લેબેનીઝ અધિકારીઓએ એનવાયટીને જણાવ્યું હતું કે ઇઝરાયલે લેબેનાન પર ૭૦થી વધુ હુમલા કર્યા છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું હતું કે તેમણે લેબેનાનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલાં ૧૦૦થી વધુ રોકેટ લોન્ચર્સ પર હુમલો કરી નાશ કર્યો છે. આ સિવાય ૧૦૦૦ રોકેટ બેરલ પણ નાશ કરાયાં છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું હતું કે આ હથિયારો ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર હતાં, પણ એ પહેલાં જ એને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. આઈડીએફએ પણ કહ્યું હતું કે તેમણે હિઝબુલ્લાહની ઘણી ઇમારતો અને હથિયારોના ડેપોનો નાશ કર્યો.
આ પહેલાં લેબેનાનમાં મંગળવાર અને બુધવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટનાઓ બની હતી, જેમાં ૩૭ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦૦થી વધુ ઘાયલ થયા હતા. લેબેનાન અને હિઝબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. હિઝબુલ્લાહે કહ્યું, ઇઝરાયલી સેનાએ બુધવારે ૧૭ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. હિઝબુલ્લાહના વડાએ સિરિયલ બ્લાસ્ટને યુદ્ધની શરૂઆત ગણાવી હતી
રિપોર્ટ અનુસાર, લેબેનાન પર હુમલો ત્યારે શરૂ થયો જ્યારે હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહ પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ પછી પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણ પછી પણ મોડીરાત્રે ઇઝરાયલની સેનાએ લેબેનાનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. પોતાના ભાષણમાં નસરાલ્લાહે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાષણમાં હિઝબુલ્લાહ ચીફે કહ્યું હતું કે ઈઝરાયલે આ હુમલાઓ સાથે તમામ હદો પાર કરી દીધી છે. આ હત્યાકાંડ એ લેબેનાનના લોકો સામે ઇઝરાયલના યુદ્ધની શરૂઆત છે.
લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે. તેના પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલે લક્ષ્મણરેખા વટાવી દીધી છે. હવે આ યુદ્ધ ફક્ત ઇઝરાયેલ અને લેબનોનની સરહદ પૂરતું જ સીમિત રહ્યું નથી, પરંતુ બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે.
ઇઝરાયેલ હીઝબુલ્લાહના વળતા હુમલાનો સામનો કરવા તૈયાર રહે. નસરલ્લાહે જણાવ્યું હતું કે અમે સ્વીકાર્યુ છે કે આ હુમલાથી અમને જબરદસ્ત ફટકો પડયો છે. અમે તેની તપાસ પણ કરી રહ્યા છીએ. પણ અમે તેનો વળતો જવાબ આપીશું તેના નિવેદનનો પડઘો પાડતાં હોય તેમ હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરતાં મોટાપાયા પર રોકેટમારો કર્યાે હતો.
આ ઉપરાંત તેણે ઇઝરાયેલના લશ્કરી સ્થળોને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યાે હતો. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના દસ હજારથી વિસ્થાપિતો ક્યારેય તેમના ઘરે પરત નહીં ફરી શકે. ગાઝામાં જે રીતે લોકો વિસ્થાપિત થયા છે તે રીતે ઇઝરાયેલના લોકોને પણ અમે વિસ્થાપિત કરીશું.
ઇલેકટ્રોનિક બ્લાસ્ટ પછી હીઝબુલ્લાહે કરેલા હુમલામાં ઇઝરાયેલના બે સૈનિકોના મોત થયા છે. તેના લીધે ઇઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે હવે યુદ્ધનો વ્યાપ વિસ્તરી શકે છે અને તેણે વ્યાપક સ્તરે લશ્કરી કાર્યવાહી કરવી પડી શકે છે. ઇઝરાયેલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરી હીઝબુલ્લાહના ૪૦ આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ હજારથી વધુને ઇજાગ્રસ્ત કરી દીધા છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો છે કે આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ ઇઝરાયેલની સાઇબર જાળમાં ફસાઈ ગયું. હીઝબુલ્લાજે જે પેજર ખરીદ્યા તે તાઇવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા.