આ કારણસર અમદાવાદ-મુંબઈ હાઈવેના ટોલ ટેક્સમાં વધારાને લઈ નિર્ણય મોકૂફ રખાયો
બિસ્માર રસ્તાને કારણે વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુશ્કેલી
(એજન્સી)અમદાવાદ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ખખડધજ રસ્તાના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ટ્રાન્સપોર્ટરોના ઉગ્ર વિરોધ બાદ આ વધારાના નિર્ણયને ટોલ ટેક્સ એજન્સી દ્વારા મોકૂફ રખાયો છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે ત્યાં સુધી ટોલ ટેક્સમાં વધારો વસુલવામાં આવશે નહીં. આ હાઈવે સમારકામ કર્યા વિના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા ટ્રાન્સપર્ટરો વિરોધ કર્યો હતો. વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.
ત્યાર બાદ ટોલ ટેક્સ એજન્સી દ્વારા આ નિર્ણયને મોકૂફ રખાયો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી વસુલવામાં આવે છે. મુંબઈથી સુરત વચ્ચે આવતા વિરાર, ચારોટી, બગવાડા અને બોરિયાચ ટોલનાકા પર ટોલ ટેક્સમાં વધારો કરવાના નિર્ણયનો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો હતો.
પત્રકાર પરિષદમાં એસોસિયેશનના પ્રમુખ ભરત ઠાકરે માહિતિ આપતા જણાવ્યું કે, ‘સરકાર દ્વારા ચાર ટોલનાકા પર કેટેગરી મુજબ ૪૦થી ૯૦ ટકા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. બિસ્માર રસ્તાને કારણે વાહનોને ભારે નુકસાન થવાની સાથે અનેક મુશ્કેલી ઊભી થઈ છે. ટેક્સ વસુલવા છતાં સુવિધાના નામે મીંડું રહ્યું છે.
ટોલનાકાની વર્ષ ૨૦૨૨માં ૧૫ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ સરકારે માત્ર નિભાવખર્ચ માટે માત્ર ૪૦ ટકા ટેક્સ વસુલ કરવાની બાંહેધરી આપવા છતાં ઘટાડો કરવાને બદલે વધારો કર્યો તે યોગ્ય નથી.’