ભારતને સિંધુ જળ સમજૂતીની શરતોનું પાલન કરવા પાકિસ્તાનની વિનંતી
ઈસ્લામાબાદ, સિંધુ જળ સમજૂતીની સમીક્ષા માટે પાકિસ્તાનને આપેલી નોટિસના જવાબમાં પાડોશી દેશે ભારતને કરારની શરતોનું પાલન કરવા વિનંતી કરી છે. પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે, તે કરારને મહત્વનો ગણે છે અને આશા રાખે છે કે ભારત પણ તેની જોગવાઇઓનું પાલન કરશે.
ભારત અને પાકિસ્તાને નવ વર્ષ લાંબી વાટાઘાટ પછી ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ નદીના પાણીની યોગ્ય વહેંચણીનો હતો. ભારતે ગયા મહિને ૩૦ ઓગસ્ટે પાકિસ્તાનને ૬૪ વર્ષ જૂના કરારની સમીક્ષા માટે નોટિસ મોકલી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નોટિસમાં સરહદ પારથી સતત આતંકવાદની અસર તેમજ બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને સંધિમાં ફેરફારની વાત કરાઈ હતી. ભારતની નોટિસ અંગેના પ્રશ્નમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને મહત્વની ગણે છે અને આશા રાખે છે કે ભારત પણ તેની જોગવાઇઓનું પાલન કરશે.”
બલોચે કહ્યું હતું કે, “બંને દેશ વચ્ચે સિંધુ જળ કમિશ્નર્સની પ્રક્રિયા નિર્ધારિત કરાયેલી છે. જેમાં સંધિ અંગેના તમામ મુદ્દાની ચર્ચા થઈ શકે. સંધિ અંગેની ચિંતાના સમાધાન માટે કોઇ પણ પગલાં કરારની શરતો અંતર્ગત લેવા જોઇએ.” નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો જવાબ સૂચવે છે કે, તેને સિંધુ જળ સમજૂતીની શરતો બદલવામાં રસ નથી.SS1MS