અમૂલે કહ્યું- તિરુપતિ મંદિરમાં ક્યારેય ઘી સપ્લાય કર્યું નથી
નવી દિલ્હી, તિરુપતિ મંદિરના પ્રખ્યાત લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ જેવી હાજરીના વિવાદ વચ્ચે ડેરી જાયન્ટ અમૂલે કહ્યું કે, તેણે ક્યારેય મંદિરને ઘી સપ્લાય કર્યું નથી.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યાે હતો કે, મંદિરે કર્ણાટકમાંથી નંદિની ઘી ખરીદવાનું બંધ કરી દીધા બાદ તેમણે અમૂલ ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું અને અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવતા ઘીમાં ભેળસેળ જોવા મળી હતી.
જેના કારણે હવે અમૂલે ટિ્વટ કરીને સ્પષ્ટતા કરી છે. એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમૂલ ઘી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. અમે જણાવવા ઈચ્છીએ છીએ કે અમે ક્યારેય ટીટીડીને અમૂલ ઘી સપ્લાય કર્યું નથી.
વધુમાં ઉમેર્યું હતું કે, અમે એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે અમૂલ ઘી અમારી અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ પર દૂધમાંથી બનાવવામાં આવે છે જે આઈએસઓ પ્રમાણિત છે.
અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાની ‘પ્યોર મિલ્ક ફેટ’માંથી બનાવવામાં આવે છે. અમારી ડેરીઓમાં મળતું દૂધ એફએસએસઆઈની કડક ગુણવત્તાની તપાસમાંથી પસાર થાય છે. અગ્રણી ડેરી બ્રાન્ડે વધુમાં જણાવ્યું હતું કે, અમૂલ વિરુદ્ધ આ ખોટી માહિતીના અભિયાનને રોકવા માટે આ પોસ્ટ જારી કરવામાં આવી રહી છે.SS1MS