બિહારના નવાદામાં દલિતોના ૩૪થી વધુ ઘર સળગાવાતાં હોબાળો
પટના, બિહારના નવાદામાં દલિત સમુદાયની વસ્તીમાં આશરે ૩૪ જેટલા ઘરોમાં આગ લગાડી દીધી હોવાની ઘટના બની છે. જોકે એક તબક્કે ૮૦ જેટલા ઘરોમાં આગ લગાડાઇ હોવાની માહિતી મળી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી. પરંતુ આ ઘટનાએ રાજકીય વિવાદ ઊભો કર્યાે છે.
રાજદ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ઘટનાને વખોડી છે. મોડી રાત્રે તપાસ કર્યા પછી અધિકારીઓએ જણાવ્યું કે, કુલ ૩૪ પરિવારોના ઘરમાં આગ લાગી છે. જો કોઈ અન્ય પરિવારો સામે આવીને જણાવશે તો આ ઘરોની સંખ્યા વધી પણ શકે છે. હજુ સુધી કોઈનું પણ મોત થયાની વિગતો સામે આવી નથી.
જોકે, સર્વે ટીમ હજુયે તપાસ કરી રહી છે. આ ઘટના અંગેની જાણ થતા જ વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચી પછી લોકોએ જણાવ્યું કે આગ લગાડવાની સાથે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, તણાવને જોતા જ ગામમાં આગામી બે-ત્રણ દિવસ પોલીસ જવાનોની ટીમ ગોઠવાયેલી રહેશે. હાલ આ મામલામાં મુખ્ય આરોપી સહિત ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વધુ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. બીજી તરફ, આ ઘટના પછી રાજકીય આક્ષેપબાજી શરુ થઈ ગઈ છે. બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના નેતા તેજસ્વી યાદવે ‘એક્સ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મહા જંગલરાજ! મહા દાનવરાજ! મહા રાક્ષસરાજ!. નવાદામાં દલિતોના ૧૦૦થી વધુ ઘરોમાં આગ લગાડવામાં આવી. નરેન્દ્ર મોદી અને નીતીશકુમારના રાજમાં બિહારમાં આગ જ આગ.
મુખ્યમંત્રી નીતીશકુમાર બેફિકર, એનડીએના સહયોગીઓને ખબર નહીં. ગરીબ સળગે, મરે તેમને શું? દલિતો પર અત્યાચાર સહન કરીશું નહીં.’SS1MS