નાર્કાેટિક ડ્રગ્સ કેસમાં આગોતરા જામીનની મંજૂરી ગંભીર મુદ્દો: સુપ્રીમ
નવી દિલ્હી, નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (એનડીપીએસ) એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં આગોતરા જામીનની મંજૂરી ‘બહુ ગંભીર’ મુદ્દો છે. અગાઉ ક્યારેય આવું સાંભળ્યું નથી એવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે ગુરુવારે કરી હતી.
કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આ મુદ્દે ચાર આરોપીના જામીન રદ કરવાની અરજી અંગે વિચારવા નિર્દેશ કર્યાે હતો. જજ બી આર ગવઇ, અરવિંદ કુમાર અને કે વિશ્વનાથનની બેન્ચે પશ્ચિમ બંગાળમાં એનડીપીએસ એક્ટની વિવિધ જોગવાઇ હેઠળના જુદાજુદા અપરાધોમાં આરોપીને નિયમિત જામીન મળતા હોવાની અરજી બાબતે સુનાવણી કરતી વખતે કડક વલણ અપનાવ્યું હતું.
કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કેસના ચાર આરોપીને અપાયેલા આગોતરા જામીન રદ કરવાની અરજી અંગે વિચારણા માટે નિર્દેશ કર્યાે હતો. કોર્ટે પશ્ચિમ બંગાળને આરોપીની જામીન અરજી બાબતે નોટિસ ફટકારી હતી અને કેસની સુનાવણી માટે ચાર સપ્તાહ પછીની મુદત આપી હતી. અરજદારના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે, “કેસના છમાંથી ચાર આરોપીને ધરપકડ પહેલાં જામીન અપાયા હતા.
જ્યારે એક વ્યક્તિને નિયમિત જામીન અપાતા હતા.” બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, “એનડીપીએસના કેસમાં આગોતરા જામીન? આવું અગાઉ ક્યારેય સાંભળ્યું નથી.” સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “એનડીપીએસ કેસમાં આગોતરા જામીનની મંજૂરી બહુ ગંભીર બાબત છે. એટલે અમે રાજ્યને આરોપી માટે આગોતરા જામીન રદ કરવાની અરજી માટે વિચારણાનો નિર્દેશ આપીએ છીએ.”
અરજીમાં આરોપીએ ઓક્ટોબર ૨૦૨૩ના કેસમાં નિયમિત જામીનની અરજી ફગાવી દેવાના કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યાે હતો. હાઇકોર્ટે ચાલુ વર્ષે જુલાઇમાં ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે, “જપ્ત કરાયેલા ગાંજાનો કોમર્શિયલ જથ્થો અને એનડીપીએસ એક્ટની કલમ ૩૭ના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને અમે અરજદારને જામીન મંજૂર કર્યા નથી.”SS1MS