નર્મદા પોલીસ વડાની કચેરીનો સામાન જપ્ત કરવાનો અદાલતનો આદેશ
રાજપીપળા, મહારાષ્ટ્રના નંદુરબારનો એક મુસ્લિમ પરિવાર હાલના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે વર્ષ ૧૯૯૨માં લગ્ન પ્રસંગમાં ગયો હતો.
ત્યારે સાગબારા પોલીસ મથકની જીપે ૧૨ વર્ષના પરવેઝ નામના સગીરને રોડ ઉપર ટક્કર મારતાં શરીરે ગંભીર ઇજાઓ અને મલ્ટીપલ ફ્રેક્ચર થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૩ માસ સારવાર માટે દાખલ કર્યાે હતો.જેને કારણે ઇજાગ્રસ્ત સગીરનું બાકીનું જીવન શારીરિક રીતે અક્ષમતાઓને કારણે પ્રભાવિત થયુ હતું અને શિક્ષણ પણ અધુરું રહી ગયું હતું.
આ મામલે સગીર વયના પરવેઝના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરી ન્યાય મેળવવા કોર્ટની શરણ લીધી હતી.આર્થિક રીતે નબળા આ પરિવારે ન્યાયની આશામા મહારાષ્ટ્રથી ગુજરાત કોર્ટના ચક્કર કાપતા રહ્યા એ દરમિયાન સગીર પરવેઝના પિતા અને આ કેસના ફરિયાદી મુખત્યાર મન્સૂરીનું વર્ષ ૨૦૦૭ માં કુદરતી મોત નીપજ્યું હતું.
ત્યાર બાદ તેમની વિધવા પત્ની નૂર બાનું પોતાના દીકરાને ન્યાય અપાવવા કોર્ટના ચક્કર કાપતા આખરે ૨૨ વર્ષના સંઘર્ષ બાદ ૨૦૧૪ મા નર્મદાની ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા અરજદારને રૂપિયા ૨૫ હજારનું વળતર ૯% ના વાર્ષિક વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરાયો હતો.
નર્મદા પોલીસે કોર્ટના આ ચુકાદાનો અમલ ન કરતા ૩૨ વર્ષ વીતી જવા છતાં પણ પીડિત પરિવાર આજે પણ કોર્ટે કરેલા ૨૫૦૦૦ રૂપિયા ૯% વ્યાજ સાથેનું રૂ.૮૮,૬૬૯ નું વળતર મેળવવાથી વંચિત રહી ગયા હતા.
આખરે ૩૨ વર્ષે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીનું કોમ્પ્યુટર, ફ્રીજ, ટીવી, ટેબલ, કુરસી, પંખા વિગેરે જપ્ત કરી, જો સામાવાળા રૂ.૮૮,૬૬૯ અને જપ્તી ખર્ચ ન આપે તો કોર્ટ બીજો હુકમ ના કરે ત્યાં સુધી કોર્ટના બેલીફે પોતાની પાસે રાખવી તેવો કોર્ટે હુકમ કરતા નર્મદા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીનો સમાન જપ્ત કરવાનો ઓર્ડર લઈ કોર્ટ બેલીફ અને અરજદાર પરવેઝ મન્સૂરી કચેરીએ પહોંચ્યા હતા, અને જિલ્લા પોલીસ વડાને મળી કોર્ટનો હુકમ બતાવતા જિલ્લા પોલોસ વડા તરફથી ૬૦ દિવસની મુદત કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી તેમ જાણવા મળે છે.SS1MS