પ્રભાસના ખભે ૫ ફિલ્મના ૨૧૦૦ કરોડની જવાબદારી
મુંબઈ, પ્રભાસની ફિલ્મ ‘કલકી ૨૮૯૮ એડી’ને મળેલી સફળતા બાદ પ્રભાસ હાલ કૅરીઅરના ટોચના પડાવ પર પહોંચી ગયો છે. તેની સામે એક પછી એક મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. કારણ કે તેની સફળતા પછી દર્શકોનો પણ તેના પર વિશ્વાસ વધી ગયો છે.
હવે તેની પાંચ ફિલ્મો એક પછી એક આવશે. આ બધી ફિલ્મોનું એકસાથે બજેટ જોઈએ તો બધું થઈને ૨૧૦૦ કરોડ થાય છે. તો હવે પ્રભાસના ખભે હવે આ અધધ બજેટને ન્યાય આપવાની જવાબદારી વધી ગઈ છે.
પહેલી વખત જ્યારે પ્રભાસની ફિલ્મ પૅન ઇન્ડિયા રિલીઝ થઈ અને મોટા ભાગે ઉત્તર ભારતના માર્કેટમાં પ્રભાસના પર્ફાેર્મન્સથી બધાં પ્રભાવિત થઈ ગયા તે ‘બાહુબલી ધ બિગિનિંગ’ રિલીઝ થઈ હતી. એસ એસ રાજામૌલીએ જે રીતે પ્રભાવશાળી કાલ્પનિક દુનિયા રચી અને તેનું જે રીતનું ડિરેક્શન હતું અને આ ફિલ્મે જે પ્રકારની ઉત્સુકતા જગાવી હતી તેનાથી આ ફિલ્મ વધુ લોકપ્રિય થઈ હતી.
જોકે, તેમાં પ્રભાસનું કામ પણ લોકોના ધ્યાનમાં આવ્યા વિના રહ્યું નહીં. જ્યારે ‘બાહુબલીઃધ કન્ક્લ્યુઝન’ રિલીઝ થઈ તો પ્રભાસે ઇતિહાસ સર્જી દીધો હતો. આ ફિલ્મથી પ્રભાસ એક ક્રાઉડ પૂલર તરીકે જાણીતો થઈ ગયો. જોકે બાહુબલી પછી આવેલી કેટલીક ફિલ્મો ન ચાલી પરંતુ ફરી ‘કલકી ૨૮૯૮ એડી’ રિલીઝ થતાં તે ફરી એક વખત લોકપ્રિય સાબિત થયો.
બાહુબલી પછી આવેલી પ્રભાસની ‘સાહો’ ૩૫૦ કરોડના બજેટથી બની હતી, જે ૩૧૦ કરોડનો વકરો જ કરી શકી. તો ‘રાધે શ્યામ’ ૨૦૦ કરોડના ખર્ચે બની હતી, જે ૧૦૪.૩૮ કરોડનો વકરો કરી શકી. જો ‘આદિપુરુષ’ની વાત કરવામાં આવે તો ૨૮૮.૧૫ કરોડમાં જ સમેટાઈ ચુકેલી આ ફિલ્મ ૭૦૦ કરોડના બજેટ સાથે બની હતી. આ ફિલ્મો ‘કલકી’થી નજીક પણ પહોંચી શકી નહોતી.
કલકીએ ૧૦૦૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ચાલી અને વિવેચકોએ પણ તેને વખાણી. ફરી એક સફળ ફિલ્મ પછી એક સાથે પાંચ ફિલ્મો સાઇન કરીને ફરી પ્રભાસ એ જ દોરાહા પર પહોંચી ગયો છે. ફરી પ્રભાસે જોખમી વિકલ્પ પસંદ કર્યાે છે.
પ્રભાસ સાથે પાંચ ફિલ્મોની જાહેરાત તો થઈ ચૂકી છે. તેની આગામી ફિલ્મ ‘રાજા સાબ’ ૪૦૦ કરોડના ખર્ચે બની રહી છે. ત્યાર બાદ સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ બનશે જેનું બજેટ ૩૨૦ કરોડનું છે. ત્યાર બાદ તે બે ફિલ્મોની સિક્વલ માટે કામ કરશે, ‘સાલાર ૨’ અને ‘કલકી ૨’ આ બંને ફિલ્મોનું મળીને બજેટ ૧૦૬૦ કરોડ છે. આ ઉપરાંત પ્રભાસ રાઘવપુડી સાથે વધુ એક ફિલ્મ કરી રહ્યો છે, જેનું બજેટ ૩૨૦ કરોડ છે.
એક તરફ આ આંકડાઓ જોઈને ફિલ્મની સફળતાની આશા રાખવી અઘરી લાગે છે. પરંતુ ફિલ્મ મેકર્સ માને છે કે જે કલાકારની ફિલ્મ ૧૦૦૦ કરોડનો વકરો વકરી ચુકી હોય તેના માટે આ કામ અઘરું નથી. બસ દરેક પગલું સમજીને લેવાની જરૂર છે અને ‘આદિપુરુષ’ જેવી ભુલનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. તો હવે એ જોવાનું રહ્યું કે પ્રભાસ આ બજેટની ફિલ્મોને કેટલો ન્યાય આપી શકશે.SS1MS