દેવેન્દ્ર ફડનવીસ અને રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે દોઢ કલાક બેઠક
મુંબઇ, શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ હવે ભાજપના નેતા દેવન્દ્ર ફડનવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે દોઢ કલાક ચાલેલી મુલાકાતથી રાજકીય મોરચે ગરમાવો વધ્યો છે. આ બંને નેતાઓની મુલાકાતના પગલે મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો સર્જાઈ રહી હોવાની અટકળો તેજ બની રહી છે. આ મુલાકાતમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા થઈ હતી.
23 જાન્યુઆરીએ રાજ ઠાકરેની પાર્ટીનુ મુંબઈમાં સંમેલન મળનાર છે ત્યારે આ બેઠક મહત્વપૂર્ણ મનાઈ રહી છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, ભાજપ શિવસેનાને ઘેરવા માટે રાજ્યમાં હિન્દુત્વ મુદ્દાને વધારે ધાર આપવા માંગે છે અને આ માટે મનસેને સાથે લઈ શકે છે. મનસે દ્વારા પોતાના સંમેલનમાં પાર્ટીનો ધ્વજ બદલવાની પણ જાહેરાત કરાશે.નવો ધ્વજ સંપૂર્ણપણે કેસરિયો હશે અને તેના પર છત્રપતિ શિવાજી મહારાજની તસવીર પણ હશે. રાજ ઠાકરે અગાઉ પીએમ મોદીની ઝાટકણી કાઢી ચુક્યા છે ત્યારે જો હવે મનસે અને ભાજપ સાથે આવે તો એ જોવુ રસપ્રદ હશે કે રાજ ઠાકરે હવે ભાજપ માટે કયા પ્રકારનુ વલણ અપનાવે છે.