કરીના, પ્રિયંકા અને સારાની ફેશન સેન્સે ચુડીદારનો જમાનો પાછો લાવી દીધો
મુંબઈ, પગની એડી સુધી ફિટીંગ વાળી સલવાર, જેમાં એડી નજીક ઘડી પડે અને ચુડી જેવી ભાત પડે તેની સલવારને ચુડીદાર સલવાર કહેવાય છે. ભારતીય પરંપરાગત કુર્તા સાથે મહિલાઓ અને પુરુષો બંને ચુડીદાર સલવાર પહેરતા આવ્યા છે.
૭૦થી ૮૦ના દાયકાનો સમય હોય કે ૯૦ના દાયકા સુધી આ ફેશન સ્ટેટમેન્ટ અને સ્ટાઇલનો ભાગ હતી, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષાેથી આ પરંપરા થોડી બાજુ પર મુકાઈ ગઈ હતી. આ સ્ટાઇલ દરેક ઉંમરની મહિલાઓ કુર્તા અને દુપટ્ટા સાથે પહેરતી આવી છે.
આ પરંપરા મુગલ કાળથી ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ચાલતી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી તૈયાર લેગિંગ્ઝ, સિગાર પૅન્ટ્સ, પ્લાઝો અને ધોતી પૅન્ટ્સ ફેશનનો ભાગ બની ગયા હતા.
હવે ફરી ધીરે ધીરે આ પરંપરા સ્ટાઇલ સ્ટેટમેન્ટનો ભાગ બની રહી છે. આ ટ્રેન્ડ પાછો લાવવાનું શ્રેય પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, સારા અલી ખાન અને ભૂમિ પેડનેકરને જાય છે. લાઇક્રા કાપડની ચૂડીદારનો લોકોને પરિચય કરાવનારાં ડિઝાઇનર રિના ઢાકા માને છે કે, જ્યારે કોઈ ફેશન ટ્રેન્ડ બહુ જ વધારે લોકો સુધી પહોંચી જાય છે ત્યારે તેની મજા નબળી પડી જાય છે.
તેમણે તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું,“ચુડીદાર સ્ટાઇલ ભારતીય અને પાકિસ્તાની ફેશનથી પ્રેરિત ખુલ્લા, આરામદાયક અને વિવિધ પ્રકારના કાપડાનાં વિવિધ રંગો સાથે હવે ફરી ચુડીદાર પહેરાતી થઈ છે.” તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચુડીદારમાં તરોતાજા, નવા પ્રકારની પેટર્નને પોતાના નવા કલેક્શનમાં સમાવવા જઈ રહ્યા છે.
જ્યારે ડિઝાઇનર અંજુ મોદી માને છે કે, ફેશનનું લક્ષણ પરિવર્તનશીલ છે તેના કારણે બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ચુડીદારનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે. તેઓ કહે છે,“ફેશન ટ્રેન્ડ એક પછી એક જાય છે અને પાછા આવે છે. ઘણી વખત તમને તમારા મનગમતા જૂના કપડાં ફરી યાદ આવે છે અને કોઈ ચોક્કસ સ્ટાઇલ ફરી ટ્રેન્ડમાં આવે છે. ચુડીદાર પહેરવામાં આરામદાયક હોવાથી તે ફરી ટ્રેન્ડ જમાવશે એવું હું માનું છું.
જોકે, પુરુષો તો આજે પણ ચુડીદાર પહેરે જ છે.” ડિઝાઇનર અન્વિતા શર્મા આ અંગે માને છે,“ખાસ વાત એ છે કે, કોઈ પણ લંબાઈના કુર્તા સાથે ચુડીદાર પહેરી શકાય છે, તેના કારણે તમે કુર્તામાં વધારે ઊંચા દેખાઓ છો. કુર્તાની લંબાઈમાં ગમે તેટલાં પ્રયોગો થાય કે તે સીધા કે ઘેરવાળી કોઈ પણ પેટર્નમાં બને, પછી તે અનારકલી હોય કે શોર્ટ કુર્તા, પણ ચુડીદાર બધા જ કુર્તા સાથે બહુ સુંદર વિકલ્પ બની રહે છે, ખાસ કરીને તહેવારો અને પ્રસંગોમાં તે વધારે સારી લાગે છે.”SS1MS