સોનામાં ૧૦ ગ્રામે ૪૫૦ રૂ.નો ઉછાળો
નવી દિલ્હી, ઈરાને અમેરિકા પર હુમલો કરતાની સાથે જ સોનાના ભાવમાં ભડકો થયો છે. આજે સોનામાં ૧૦ ગ્રામે વધુ ૪૫૦ રૂ.નો ઉછાળો થતા સોનાના ભાવ ૪૧૬૦૦ રૂ.ની સપાટીએ પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં ઈરાને અમેરિકા પર હુમલા કર્યાના અહેવાલે સોનાના ભાવમાં ૪૫૦ રૂ.નો ઉછાળો થયો હતો. ગઈકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) હાજરના ભાવ ૪૧૧૫૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૨ વાગ્યે ૪૧૬૦૦ રૂ. થઈ ગયા હતા.
સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૪૫૦૦ રૂ.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૪૧૬૦૦૦ની સપાટીએ પહોંચ્યા હતા. જો કે ચાંદીના ભાવમાં બપોર સુધી કોઈ વધઘટ ન હતી. અત્રે એ નોંધનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે તંગ સ્થિતિના પગલે છેલ્લા ૫ દિવસમાં સોનામાં ૨૫૦૦થી ૩૦૦૦ રૂ.નો ઉછાળો થઈ ગયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ભાવો વધે તેવી શકયતા છે.